Ahmedabad News: અમદાવાદમાં શીલજની આનંદનિકેતન સ્કૂલની કેન્ટીનમાં વિદ્યાર્થીના ભોજનમાંથી કાચનો ટુકડો મળતા હોબાળો થયો અમદાવાદમાં શીલજની આનંદનિકેતન સ્કૂલની કેન્ટીનમાં વિદ્યાર્થીના ભોજનમાંથી કાચનો ટુકડો મળતા હોબાળો થયો છે. વિદ્યાર્થીના ભોજનમાંથી કાચનો ટુકડો મળતા વાલીઓએ શાળા સંચાલકો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મામલો ગંભીર બનતા અમદાવાદ શહેર DEO દ્વારા શાળા સંચાલકને મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે
DEOએ કેન્ટીન સુપરવાઇઝરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે. સાથે જ શાળાના પ્રિન્સિપલ સામે પોલીસ ફરિયાદ કરવા માટે પણ શાળાને આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શાળાની કેન્ટીન પાસે FSSAIનું માન્ય લાઇસન્સ અને સર્ટિફિકેટ છે કે નહીં, તે રજૂ કરવા પણ DEOએ આદેશ કર્યો છે. DEO દ્વારા અમદાવાદ મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને કેન્ટીન પાસે FSSAIનું લાઇસન્સ છે કે નહીં તેની તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે
બીજી તરફ, વાલીઓના હોબાળા બાદ શાળામાં ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. શાળા તરફથી વાલીઓને રજાનો મેસેજ પણ કરવામાં આવ્યો છે. શાળા સંચાલનનો આક્ષેપ છે કે વાલીઓ દ્વારા શિક્ષકોને પરેશાન કરવામાં આવ્યા હતા અને મેન્ટલ હેરેસમેન્ટ કરવામાં આવ્યું હતું. વાલીઓના હોબાળા બાદ શિક્ષકોમાં પણ તણાવનું વાતાવરણ ઊભું થયું હોવાનો શાળાનો દાવો છે.
હવે સમગ્ર મામલે સવાલ એ છે કે વિદ્યાર્થીના ભોજનમાં કાચનો ટુકડો આવ્યો કેવી રીતે? કેન્ટીનમાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે નહીં? અને FSSAIનું લાઇસન્સ ખરેખર હતું કે નહીં? વિદ્યાર્થીના ભોજનમાં કાચ મળવાના મામલે DEOની કાર્યવાહી બાદ હવે શાળા અને કેન્ટીન સંચાલકો સામે આગળ શું કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર છે.
ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે… જેવો ઘાટ?
વાલીઓના આક્ષેપોનો જવાબ આપવાને બદલે શિક્ષકોને હેરાન કરવાનો આક્ષેપ કરીને શાળાએ રજા જાહેર કરી હોવાનો મુદ્દો પણ હવે ચર્ચામાં આવ્યો છે.