આણંદ – ભાજપ યુવા મોરચાના સભ્ય સામે દુષ્કર્મની ફરિયાદ

By: Nation Gujarat Team
09 Aug, 2026

આણંદ જિલ્લાના ખંભાતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જ્યાં એક પરિણીતા પર બ્લેકમેલિંગ કરી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.આ મામલે આખરે ચાર દિવસ બાદ ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.ઉચ્ચ પોલીસ અધિકારીની મધ્યસ્થી બાદ ગુનો દાખલ થતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.

બંને શખ્સોએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો

ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય વિજય રાવજી ચૌહાણ અને તેના મિત્ર કિરણ જાદવ નામના બે શખ્સો સામે પરિણીતા પર જબરજસ્તીથી દુષ્કર્મ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.આ બંને શખ્સોએ પરિણીતાના અશ્લીલ વિડીયો અને ફોટા પાડી લીધા હતા.ત્યારબાદ આ વિડીયો-ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની અને પરિણીતાના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને તેને સતત બ્લેકમેલ કરવામાં આવતી હતી.આરોપીઓ પીડિતાને બામણવા સ્થિત એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા.જ્યાં તેની મરજી વિરુદ્ધ બંને શખ્સોએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી

કંટાળીને પીડિત પરિણીતાએ ગત 4 ઓગસ્ટના રોજ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી.જોકે ખંભાત ગ્રામ્ય પોલીસે યેનકેન પ્રકારે આ ગંભીર ગુનાની ફરિયાદ નોંધવામાં આનાકાની કરી હતી.સ્થાનિક પોલીસ તરફથી કોઈ સહકાર ન મળતાં પરિણીતા અને તેના પતિએ હિંમત દાખવીને સમગ્ર મામલે આણંદ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ વડાએ મામલાની ગંભીરતા સમજીને ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ આપતાં જ આખરે ખંભાત ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવો પડ્યો હતો.રાજકીય વગ ધરાવતા આરોપીઓ સામે ચાર દિવસ સુધી કાયદેસરની કાર્યવાહી ન કરાતાં ખંભાત ગ્રામ્ય પોલીસની ભૂમિકા અને તટસ્થતા સામે સ્થાનિકોમાં અનેક પ્રશ્નો ઊભરાયા છે.


Related Posts

Load more