આણંદ પાલિકાના સત્તાપક્ષ ભાજપના કાઉન્સિલર દિલીપ પ્રજાપતિ ઉર્ફે દીપુ પ્રજાપતિએ જ્ઞાતિની જ પરિણીતા સાથે દુષ્કર્મ આચયું હતું. પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યાની લોકોને જાણ થતા એકઠા થઈ દીપુ પ્રજાપતિને માર મારીને ઘરમાં પૂરી દીધો હતો. અન્ય ટોળાએ સ્થાનિક રહીશોને માર મારી ધમકી આપી દીપુ પ્રજાપતિને છોડાવી ગયા હતા. આ મામલે પોલીસે ભાજપના કાઉન્સિલર સામે ફરિયાદ નોંધવાનો ઈનકાર કરતા ટોળાએ પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસે નમતું જોખીને આખરે કાઉન્સિલર દીપુ પ્રજાપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી.
પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી
આણંદ નગરપાલિકાના વોર્ડ નં.6ના ભાજપના કાઉન્સિલર દિલીપ પ્રજાપતિ પોતાના વોર્ડમાં આવેલા પ્રજાપતિ વાસમાં વારંવાર જતો હતો. ત્યારે તેણે પરિણીતાનો મોબાઈલ નંબર લીધો હતો અને ત્યારબાદ વારંવાર મોબાઇલથી વાતો કરવા સાથે મેસેજ પણ મોકલતો હતો. દરમિયાન છ મહિના અગાઉ તેણે પરિણીતાના ઘરમાં જઈને બળજબરીથી દુષ્કર્મ કર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ધમકીના લીધે પરિણીતા ગભરાઈ ગઈ હતી અને પોતાના પરિવારજનોને જણાવ્યું ન હતું. બાદમાં પરિણીતાએ દીપુ પ્રજાપતિ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જો કે, દીપુ પ્રજાપતિએ તેને વારંવાર મારી સાથે વાતચીત કેમ કરતી નથી એવું કહીને ધમકીઓ પણ આપી હતી.
ભેગા થયેલા આસપાસના રહીશોને માર મારી તેમજ કોઈને કહેશો કે પોલીસ ફરિયાદ કરશો તો જોવા જેવી થશે તેવી ધમકી આપીને કાઉન્સિલર તેના સાગરિતો જતા રહ્યો હતો. પત્ની સાથે દુષ્કર્મ થતા પતિ સહિત આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. પરંતુ કાઉન્સિલર ભાજપનો હોવાથી ફરિયાદ નોંધવા માટે આનાકાની કરી હતી. બાદમાં ભેગા થયેલા ટોળાએ હોબાળો માચાવ્યો હતો.
દીપુ પ્રજાપતિ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ
આણંદ ટાઉન પોલીસ મથકના પીઆઈ વી.ડી ઝાલાએ જણાવ્યું કે, હાલ પીડિતના નિવેદન આધારે આનંદ વોર્ડ નં.6ના ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા સાથે તપાસ શરૂ કરાઈ છે.’ જો કે, હજુ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. આ ઉપરાંત દીપુ પ્રજાપતિના બંને ભાઈઓ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.
સાત જેટલા સાગરિતો કાઉન્સિલરને છોડાવી ગયા
આરોપી દીપુ પ્રજાપતિને ટોળા દ્વારા પરિણીતાના ઘરમાં પુરી દેવા સાથે મેથીપાક પણ ચખાડ્યો હતો. પરંતુ તેના સાત જેટલા સાગરિતો આવી જતા ઘરના દરવાજા ખોલીને તેને છોડાવીને લઈ ગયા હતા. આજુબાજુના રહીશોને માર પણ માર્યો હતો.
પ્રજાપતિને ભાજપે સસ્પેન્ડ કર્યો
આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘દિલીપ પ્રજાપતિ આણંદ નગરપાલિકાના વોર્ડ નં.6માં ભારતીય જનતા પાટીના પ્રતિક ઉપર ચૂંટાયેલા કાઉન્સિલર સામે ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ દાખલ થયેલી છે. જે પાર્ટીની ગરીમાને નુકસાનકર્તા હોવા સાથે પક્ષની શિસ્તભંગનો કિસ્સો બને છે. આ અંગે પ્રદેશ અધ્યક્ષની સૂચના અનુસાર પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરવામાં આવે છે.’