આસો નવરાત્રિના મહા આઠમના પવિત્ર દિવસે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભારે જનમેદની ઉમટી પડી હતી. દર્શનાર્થીઓની 1 કિલોમીટરથી પણ વધુ લાંબી લાઈનો જોવા મળી હતી, જ્યાં શ્રદ્ધાળુઓ કલાકો સુધી કતારમાં ઉભા રહી મા ભદ્રકાળીની આરતી અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ નિમિત્તે મંદિર પરિસરનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભક્તિમય માહોલનો સુંદર નજારો જોવા મળે છે.
બીજી તરફ, શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢમાં આવતીકાલે આઠમની ઉજવણી કરાશે. આજે સાતમુ નોરતું અને રવિવારની રજા હોવાથી સવારના 5 વાગ્યાથી ગુજરાતભરમાંથી માઈભક્તો ઉમટી પડ્યા હતાં. મંગળા આરતી સાથે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
નવરાત્રિમાં મહા આઠમના દર્શન અને આરતીનું મહાત્મ્ય નવરાત્રિ પર્વમાં મહા આઠમ (દુર્ગાષ્ટમી)ના દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહાત્મ્ય રહેલું છે. આ દિવસે માતાજીના શક્તિ સ્વરૂપની ખાસ આરાધના, હવન અને મહાઆરતી યોજવામાં આવે છે. માન્યતા મુજબ, આઠમના પવિત્ર દિવસે નગરદેવી ભદ્રકાળીના દિવ્ય સ્વરૂપના દર્શન અને આરતીનો લાભ લેવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે છે અને સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ જ કારણોસર આઠમના દિવસે ભદ્રકાળી મંદિરે માઈભક્તોનો ઘોડાપૂર જોવા મળે છે.
નગરદેવી ભદ્રકાળી મંદિરનો પૌરાણિક ઈતિહાસ અમદાવાદ શહેરના ભદ્રના કિલ્લા પરિસરમાં આવેલું શ્રી ભદ્રકાળી મંદિર શહેરનું અત્યંત પ્રાચીન અને પૌરાણિક ધાર્મિક સ્થાન છે. ઈ.સ. 1411માં અહમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરી તે પૂર્વેથી જ નગરદેવી તરીકે મા ભદ્રકાળી અહીં બિરાજમાન હોવાની માન્યતા છે. અમદાવાદની સ્થાપના અને સમૃદ્ધિ પાછળ નગરદેવીની કૃપા હોવાનું લોકમુખે કહેવાય છે. સમય જતાં ઐતિહાસિક બદલાવો વચ્ચે પણ આ મંદિર અમદાવાદ શહેરનું મુખ્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. નગરજનો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત નગરદેવી ભદ્રકાળી માતાજીના આશીર્વાદ લઈને જ કરે છે.
પાવાગઢમાં સાતમા નોરતે અને રવિવારની રજામાં ભક્તોનું ઘોડાપૂર, 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાજીના દર્શન કર્યા આસો નવરાત્રિના સાતમા નોરતા પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે માઈભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું હતું. સમગ્ર પાવાગઢ ‘જય મહાકાળી’ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. નવરાત્રિમાં માતાજીના દર્શનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી અને રજાનો દિવસ હોવાથી વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. માઈભક્તોએ યાત્રા કરી માતાજી સમક્ષ પરિવારની સુખ, શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી, જેના કારણે યાત્રાધામમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો.