આજથી પાવન શારદીય નવરાત્રીનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે. સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં માઈભક્તોમાં અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. નવ દિવસ સુધી ચાલનારા આ શક્તિપર્વના પ્રથમ દિવસે અમદાવાદના ઐતિહાસિક લાલ દરવાજા વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરે ભક્તોની ભારે ભીડ એકઠી થઈ છે. વહેલી સવારની મંગળા આરતીથી જ સમગ્ર પરિસર ‘જય માતાજી’ના નારાથી ગુંજી ઉઠ્યું છે. શ્રદ્ધાળુઓ શક્તિ સ્વરૂપાના ચરણોમાં શીશ ઝુકાવીને સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિની કામના કરી રહ્યા છે.
અમદાવાદના રક્ષક ગણાતા નગરદેવી માતા ભદ્રકાળીના આશીર્વાદ મેળવવાનું નવરાત્રિના દિવસે અનન્ય મહત્વ રહેલું છે. આ પવિત્ર અવસરે દર્શનનો લાભ લેવા માટે શ્રદ્ધાળુઓ સૂર્યોદય પહેલાં જ મંદિર પરિસરમાં પહોંચી ગયા હતા. લાલ દરવાજા મુખ્ય માર્ગથી લઈને મંદિરના પ્રવેશદ્વાર સુધી ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ત્યારે ભદ્રકાળી દેવીને શૈલપુત્રીનો શણગાર કરવામાં આવ્યો. ત્યારે ભક્તો હાથમાં ફૂલો, શ્રીફળ અને ચુંદડી લઈને માતાજીને અર્પણ કરવા આતુર જણાય છે. યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમામ વર્ગના લોકો અખૂટ આસ્થા સાથે ઉપસ્થિત રહ્યા છે.
નવરાત્રિના મહાપર્વને ધ્યાનમાં રાખીને ભદ્રકાળી મંદિર ટ્રસ્ટે વિશેષ સજાવટ કરી છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહને દેશ-વિદેશના તાજા સુગંધિત ફૂલોથી અતિ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. માતાજીની દિવ્ય મૂર્તિ સમક્ષ ભવ્ય આભૂષણો અને પરંપરાગત વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે. રાત્રિના સમયે ઝગમગતી રોશની મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે. મંદિરના પ્રવેશદ્વાર, સ્તંભો તેમજ છત પર રંગબેરંગી લાઇટિંગ ગોઠવવામાં આવી છે. આ અલૌકિક અને દિવ્ય નજારો જોઈને ભક્તો ભાવવિભોર બની રહ્યા છે.
મોટી સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓને દર્શનમાં કોઈ અગવડ ન પડે તે માટે મંદિર તંત્ર સજ્જ બન્યું છે. પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ બેરિકેડિંગ લાઈનો તૈયાર કરવામાં આવી છે. વૃદ્ધો તેમજ દિવ્યાંગ ભક્તો માટે સરળ પ્રવેશ વ્યવસ્થા રાખવામાં આવી છે. પીવાના શુદ્ધ પાણી અને પ્રાથમિક આરોગ્ય સેવાઓની ખાસ કાળજી લેવાઈ છે. મંદિર સુરક્ષા કર્મીઓ અને સ્થાનિક પોલીસ કર્મીઓ વ્યવસ્થા જાળવવા માટે સતત ખડેપગે સેવા આપી રહ્યા છે. ભક્તો શાંતિપૂર્ણ વાતાવરણમાં દર્શન કરી શકે તે માટે દરેક વ્યવસ્થા સમયસર પૂર્ણ કરવામાં આવી છે. શારદીય નવરાત્રીનો આ પહેલો દિવસ અમદાવાદમાં ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ બની રહ્યો છે.