ચક્રવાત ઇડાલિયા અમેરિકાના 4 રાજ્યોમાં તબાહી મચાવી રહ્યું છે. બુધવારે ફ્લોરિડાના બિગ બેન્ડમાં લેન્ડફોલ કર્યા બાદ આ વાવાઝોડાંને કારણે અત્યાર સુધીમાં 2 લોકોનાં મોત થયા છે. ફ્લોરિડા બાદ આ તોફાન જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને સાઉથ કેરોલિના તરફ આગળ વધ્યું છે. જેના કારણે જ્યોર્જિયા અને ફ્લોરિડામાં લગભગ 4.5 લાખ લોકોના ઘરોમાં વીજળી નથી.
ઇડાલિયા વાવાઝોડાને કારણે લગભગ 900 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. લેન્ડફોલ સમયે, ચક્રવાત કેટેગરી 4 થી કેટેગરી 3 માં ખસી ગયું હતું. જેના કારણે પવનની ઝડપ 200 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈડાલિયા ફ્લોરિડાના 100 વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક તોફાન છે. વાવાઝોડાંને જોતા ચારેય રાજ્યોમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે.બચાવ માટે 55 હજાર સૈનિકો તહેનાત કરવામાં આવ્યા હતા
ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર ચક્રવાતને કારણે ઘણી પાવર લાઈનોને નુકસાન થયું છે. આ ઉપરાંત, ઘણી કાઉન્ટીઓમાં, ભારે પવનથી સ્ટોર્સ નાશ પામ્યા હતા અને કેટલીક વેપારી વસાહતોમાં પણ આગ લાગી હતી. 30 ફ્લોરિડા કાઉન્ટીઓના લોકોને બુધવારે લેન્ડફોલ પહેલા તેમના ઘર છોડવા વિનંતી કરવામાં આવી હતી. લગભગ 55 હજાર સૈનિકોને રાહત અને બચાવ કામગીરી માટે તહેનાત કરવામાં આવ્યા હતા.