વડોદરા,તા.30
અમૂલ ડેરી તરીકે પ્રખ્યાત કૈરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ આંધ્ર પ્રદેશ, પૂણે અને પંજાબમાં ચિત્તૂર ખાતે નવાં પ્લાન્ટ સ્થાપશે. આ માટે અમુલ આગામી બે વર્ષમાં 1000 કરોડનું રોકાણ કરશે. ગયાં વર્ષમાં તેને તેનાં પ્લાન્ટના વિસ્તરણમાં 1000 કરોડનું રોકાણ કર્યું હતું.
અમૂલ ડેરી ચિત્તૂર ખાતે દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપી રહી છે, જે દેશનાં પાંચ દક્ષિણ રાજ્યોમાં સેવા આપતો પ્રથમ અમૂલની માલિકીનો પ્લાન્ટ હશે. ચિત્તૂર ખાતેનો નવો પ્લાન્ટ 1 લાખ લિટર દૂધ, 50 ટન દહીં, ઘી, છાશ અને લસ્સીને પ્રોસેસ કરવા માટે વિકસાવવામાં આવી રહ્યો છે, જેમાં ભવિષ્યમાં આઈસ્ક્રીમ, દહીં અને અલ્ટ્રાહાઈ ટેમ્પરેચર દૂધનું ઉત્પાદન પણ કરવામાં આવશે .
આંધ્રપ્રદેશ સરકારે અમૂલ સાથે નિષ્ફળ ગયેલી ચિત્તૂર ડેરીનાં પુનરુત્થાન માટે કરાર કર્યો હતો, જેને વિજયા ડેરી તરીકે ઓળખવામાં આવતી હતી અને એક સમયે દેશની બીજા ક્રમની સૌથી મોટી ડેરી તરીકે જાણીતી હતી, ચિત્તૂર ડેરીનું ઉત્પાદન તેનાં 182 કરોડ રૂપિયાના દેવાને કારણે 20 વર્ષથી સ્થગિત કરવામાં આવ્યું હતું.
નિષ્ક્રિય ડેરીમાં નવું જીવન આપવા માટે, એપી સરકારે અમૂલ સાથે સહયોગ કર્યો છે. અમૂલ ડેરીનાં મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસે જણાવ્યું હતું કે, કરાર મુજબ, અમે ચિત્તૂર ખાતે પ્રાપ્તિ, પ્રોસેસિંગ અને પેકેજિંગના પ્રથમ તબક્કાની શરૂઆત કરી દીધી છે.
હાલમાં, અમૂલ પ્રદેશમાં 50000 લિટર દૂધની ખરીદી અને પ્રક્રિયા કરે છે. તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે નવો પ્લાન્ટ ચાર મહિનામાં તૈયાર થઈ જશે,મહારાષ્ટ્રમાં અમુલ પહેલેથી જ વિરારમાં આઈસ્ક્રીમ પ્લાન્ટ ચલાવે છે. તે હવે પુણેમાં 1 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતો બીજો આઇસક્રીમ પ્લાન્ટ સ્થાપી રહી છે.
અમુલ પુણે પ્લાન્ટની કામગીરી 31 ઓક્ટોબરથી શરૂ કરવાની આશા રાખે છે. પંજાબમાં અમુલ ડેરી મીઠાઈ, સફેદ માખણ, યુએચટી દૂધ અને પનીર બનાવવા માટે તેનાં પ્લાન્ટનું વિસ્તરણ કરી રહુ છે.
વ્યાસે કહ્યું કે, “અમે આઈસ્ક્રીમ અને અન્ય ડેરી ઉત્પાદનો બનાવવા માટે વધારાની જમીન પણ ખરીદી છે,” અમુલ ડેરી હાલમાં મુંબઈ, પુણે અને પંજાબ ઉપરાંત ગુજરાતમાં કપડવંજ નજીક આણંદ, મોગર, ખાત્રજ, કપડીવાવમાં પ્લાન્ટ ધરાવે છે.
અમુલે 12,911 કરોડનું ટર્નઓવર કર્યુ
શુક્રવારે અમૂલ ડેરીની 78મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન, તેનાં ચેરમેન વિપુલ પટેલે જાહેરાત કરી હતી કે ડેરીએ 2023-24 ના વર્ષમાં 12,911 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે, જે પાછલાં વર્ષનાં 11,803 કરોડ કરતાં 9.39 ટકા વધુ છે, અને ચાલુ વર્ષ માટે ડેરીએ 14,233 કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે.