અમદાવાદ મેટ્રો કોર્ટમાં હિન્દુ-મુસ્લિમ લગ્ન વિવાદ, વકીલનો કોટ પહેરીને કોર્ટમાં પહોંચ્યા હતા યુવક-યુવતી, જાણ થતા હોબાળો થયો

By: Nation Gujarat Team
03 Mar, 2026
અમદાવાદ : શહેર મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં જિલ્લાના રજિસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નને લઈને હોબાળો મચ્યો છે. ગાંધીનગરની યુવતી અને કઠવાડાના 27 વર્ષીય યુવક લગ્ન માટે કોર્ટ પહોંચ્યા હતા. સંભવિત વિરોધને જોતા, યુવતીને વકીલના કપડાં પહેરાવીને કોર્ટમાં લવાઈ હતી. હાલ બંને કચેરીમાં છે અને બહાર હિન્દુ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
બનાવની જાણ થતાં જ પોલીસ કમ્પાઉન્ડમાં હાજર થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાંચ પણ કોર્ટમાં પહોંચી છે. ધારાસભ્ય કૌશિક જૈન પણ કોર્ટ સંકુલમાં પહોંચ્યા હતા. હાલ કોર્ટ સંકુલમાં લાઠી અને હથિયારધારી પોલીસ ગોઠવવામાં આવી છે. આ પગલાં એ સંકેત છે કે સ્થિતિને કાબુમાં રાખવા માટે સઘન સજાગતા રાખવામાં આવી રહી છે.
યુવક-યુવતી બંને વકીલના ડ્રેસમાં મેટ્રો કોર્ટમાં આવ્યા હતા જેને કારણે વકીલોએ તેમનો વિરોધ કર્યો અને કારંજ પોલીસ મથકે જાણ કરી. વકીલોએ બંને સામે કડક પગલાં લેવાની માગણી કરી છે. VHP અને બજરંગ દળે આક્ષેપ કર્યો છે કે મેરેજ રજિસ્ટ્રાર એમ.એમ. સૈયદ પક્ષપાતી વલણ ધરાવે છે. વકીલોનું કહેવું છે કે મેરેજ રજિસ્ટ્રેશન 11 વાગ્યે શરૂ થતું હોવાથી છોકરો મુસ્લિમ હોવાથી 9:30 વાગ્યે બંનેને લાવવામાં આવ્યા હતા.
બજરંગદળના કાર્યકર્તા ગણેશ વણઝારાએ જણાવ્યું કે હિન્દુ દીકરીને લવજેહાદમાં ફસાવવામાં આવી છે. યુવતીને વકીલના કપડાંમાં કચેરીમાં લઈ જવાઈ હતી. રજિસ્ટ્રાર દ્વારા પ્રોટેક્શન આપવામાં આવી રહી છે અને વકીલના કપડાં પહેરાવીને અંદર રજિસ્ટર કરવામાં આવી રહ્યું છે. દીકરીને પરિવાર સાથે વાત કરાવવામાં આવે તેવી બજરંગદળની માગ છે. દીકરીના કાકાએ જણાવ્યું કે શરદ પૂનમની રાત્રે છોકરીને ભગાડી ગયા હતા અને તે યુવકના દબાણ હેઠળ છે.
બીજી તરફ, કાયદાકીય રીતે પુખ્ત વયના યુવક-યુવતીને પોતાની પસંદગીથી લગ્ન કરવાનો અધિકાર છે, તેમ કાયદા નિષ્ણાતોનું કહેવું છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને બંને પક્ષની રજૂઆતો લઈ રહી છે.મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં થયેલા આ હોબાળાને પગલે થોડા સમય માટે તંગદિલી સર્જાઈ હતી, પરંતુ પોલીસ બંદોબસ્ત વચ્ચે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી. આગળ કાયદેસરની કાર્યવાહી બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટતા થશે..

Related Posts

Load more