અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ એર ઈન્ડિયા પર મુસાફરોનો વિશ્વાસ ઘટ્યો : રિપોર્ટ

By: Nation Gujarat Team
03 Sep, 2026

Air India Passenger Traffic Drop: 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કરુણ અકસ્માત બાદથી એર ઈન્ડિયા માટે મુસાફરોનો ફરી વિશ્વાસ જીતવો અત્યંત મુશ્કેલ બની રહ્યો છે તેવો દાવો બ્રિટનના મીડિયામાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દુર્ઘટના બાદ પણ એર ઈન્ડિયા દ્વારા સેફ્ટી સ્ટાન્ડર્ડને અનુસરવામાં ઢાંકપીછોડા કરવામાં આવ્યા હોવાના આરોપ પણ કેટલાક મુસાફરોએ લગાવ્યા છે. આ તમામ પરિબળોને કારણે ભારત અને બ્રિટન વચ્ચેના એર ઈન્ડિયાના ફ્લાઈટ રૂટ પર મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

દુર્ઘટના બાદ પેસેન્જર ટ્રાફિકમાં કડાકો

બ્રિટિશ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, આ ઘટના બાદ ભારત-બ્રિટન રૂટ પર એર ઈન્ડિયાને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. વર્ષ 2025ના શરૂઆતના પ્રથમ પાંચ મહિના (જાન્યુઆરીથી મે) દરમિયાન એર ઈન્ડિયાને પેસેન્જર ટ્રાફિકમાં 18થી 32 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જુલાઈ 2025 સુધી પણ આ રૂટ પર સ્થિતિ સારી હતી, પરંતુ 12 જૂન 2025ના અકસ્માત બાદ ટ્રાફિકમાં અવળો ટ્રેન્ડ શરૂ થઈ ગયો.

ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો હતો. ડેટા મુજબ, ઓગસ્ટ 2025માં એર ઈન્ડિયા દ્વારા 85,024 મુસાફરોએ ઉડાન ભરી હતી, જે અગાઉના વર્ષના આ જ મહિનામાં 96,576 હતી. સપ્ટેમ્બર 2025માં આ સંખ્યા 1,00,559થી ઘટીને 81,291 પર આવી ગઈ હતી, જ્યારે ઓક્ટોબર મહિનામાં મુસાફરોની સંખ્યામાં 14 ટકાનો સીધો ઘટાડો થયો હતો. અગાઉ ઓગસ્ટથી ઓક્ટોબર 2024 દરમિયાન આ રૂટ પર મુસાફરોની સંખ્યા મહિને 1 લાખ સુધી પહોંચી જતી હતી, જે ઘટીને માત્ર 80 હજાર સુધી આવી ગઈ હતી.

તપાસ રિપોર્ટ અંતિમ તબક્કામાં: કેન્દ્રીય મંત્રી

12 જૂન, 2025ના રોજ બનેલી આ અમદાવાદ વિમાન દુર્ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તપાસ પૂર્ણ થઈ નથી અને અંતિમ રિપોર્ટ જાહેર કરાયો નથી. આ બાબતે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ માહિતી આપતા જણાવ્યું છે કે, અમદાવાદ અકસ્માતની તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં જ આ દુર્ઘટનાનો વિગતવાર અંતિમ રિપોર્ટ જાહેર કરવામાં આવશે.


Related Posts

Load more