અતિભારે વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે. 7 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદથી બોપલમાં સ્થિતિ વણસી છે. બંગલોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરમાં અનેક સોસાયટીઓ ડૂબી છે, અંડરબ્રિજો બંધ છે, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં સિંધુભવન, એસ.જી. હાઈવે અને બોપલ જેવા મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાસણા બેરેજના દરવાજા પણ ખોલી નખાયા છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે થલતેજ મેટ્રો સ્ટેશન નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.ભારે વરસાદના કારણે અમદાવાદની તમામ સ્કૂલોમાં આજે અને આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. બપોર બાદ વરસાદ ફરી શરૂ થયો છે. તેમજ નાઉકાસ્ટે સાંજના 4થી રાતના 7 સુધી રેડ એલર્ટ આપ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું અત્યંત આક્રમક અને રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. અતિભારે વરસાદના કારણે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. સૌથી વધુ વિપરીત અસર વલસાડ જિલ્લાના ઉમરગામમાં જોવા મળી છે, જ્યાં માત્ર 28 કલાકના ટૂંકા ગાળામાં 43 ઇંચથી વધુ રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતને કારણે નીચાણવાળા તમામ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.
ભારે વરસાદ અને રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. રાજ્યમાં પંચાયત હસ્તકના 300થી વધુ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વાહનોની સલામતી અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા 200થી વધુ બસ ટ્રીપ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.