અમદાવાદમાં પ્રેમ લગ્નનો લોહિયાળ અંત! યુવતીના પરિજનોએ સસરાને મોતને ઘાટ ઉતાર્યા, સાતની ધરપકડ

By: nationgujarat
01 Nov, 2025

Inter-Cast Love Marriage: અમદાવાદમાં આંતર-જ્ઞાતીય પ્રેમલગ્નએ લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હકીકતમાં, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સપ્તાહની શરૂઆતમાં જ 50 વર્ષીય સફાઈકર્મીને તેમની પુત્રવધૂના પરિવારના સભ્યો દ્વારા ઢોર માર મારવામાં આવતા તેમનું મૃત્યુ થયું હતું.

શું હતી ઘટના? 

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક ભીખાભાઈ વાઘેલા અને તેમની પત્ની કૈલાશબહેન વાઘેલા બંને દૈનિક વેતન પર કામ કરતા સફાઈકર્મી છે. શનિવારે (30 ઓક્ટોબર) બંને કામ પરથી પરત ફરતા હતા ત્યારે તેમની પુત્રવધુના પિતા રાજુ પરમાર, તેમના બનેવી અને અન્ય કેટલાક સંબંધીઓએ તેમને આંતરીને તેમના પર બર્બરતાપૂર્વક હુમલો કર્યો હતો. ઘટના બાદ આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ભીખાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું અને કૈલાશબહેન હજુ સારવાર હેઠળ છે.

પ્રેમલગ્નનો લેવાયો બદલો

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ભીખાભાઈનો દીકરો શની વાઘેલા એ જોસના પરમાર સાથે તેના પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્નને કારણે બંને પરિવારો વચ્ચે તણાવ ઊભો થયો હતો. જોસનાના પિતા રાજુ પરમાર અને તેમના સગા-સંબંધીઓ તેને પિયર પરત ફરવા માટે વારંવાર દબાણ કરતા હતા, જેના કારણે બંને પરિવારો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરી તપાસ

આ હુમલા બાદ નવરંગપુરા પોલીસે હત્યા, હુમલો અને હુલ્લડની કલમો હેઠળ ગુનો નોંધીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદથી ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું. અત્યાર સુધી પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં રાજુ પરમાર, મહેશ પરમાર, લતા બહેન, કલાવતી, જ્યોતિ બહેન, મહેશ રાઠોડ અને પ્રેમ પરમારનો સમાવેશ થાય છે, જ્યારે એક શંકાસ્પદ આરોપી ફરાર છે.પોલીસે જણાવ્યું કે, આ હુમલો પ્રેમલગ્ન પ્રત્યેના રોષને કારણે થયો હોવાનું જણાય છે. તમામ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ સિવાય અન્ય એક ફરાર આરોપીને શોધવા અને તપાસના ભાગરૂપે મુખ્ય સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે.


Related Posts

Load more