અમદાવાદમાં પૂરના પાણી ન ઓસરતાં મુખ્યમંત્રી લાલઘૂમ, અધિકારીઓનો ઉધડો લીધો, ‘શા માટે પાણી ભરાયા તેનો ખુલાસો કરો’

By: Nation Gujarat Team
24 Jul, 2026

અમદાવાદ શહેરમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ અનેક વિસ્તારોમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહેતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હોવાથી ત્યાં જળબંબાકારની વિકટ સ્થિતિ સર્જાઈ છે. લોકોની વધતી મુશ્કેલીઓ વચ્ચે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે મેદાનમાં ઉતર્યા હતા.

મુખ્યમંત્રીએ ભારે નારાજગી વ્યક્ત કરી

મુખ્યમંત્રીએ દક્ષિણ-પશ્ચિમ ઝોન કચેરી ખાતે કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે એક ઇમરજન્સી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં વરસાદી પાણીના નિકાલમાં થઈ રહેલા વિલંબને લઈને મુખ્યમંત્રીએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને જવાબદાર અધિકારીઓનો સખત ઉધડો લીધો હતો. CMએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, “તંત્રની નિષ્ક્રિયતાને કારણે નાગરિકો પરેશાન થાય તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે.”

પાણીનો નિકાલ ઝડપથી નથી થઈ રહ્યો તે અંગે ગંભીરતાથી ચર્ચા

બેઠક બાદ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, “શહેરમાં ચોક્કસ વિસ્તારોમાં શા માટે પાણીનો નિકાલ ઝડપથી નથી થઈ રહ્યો તે અંગે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી છે. તંત્રને તમામ ઉપલબ્ધ સાધનો અને પંપોનો ઉપયોગ કરીને યુદ્ધના ધોરણે પાણી કાઢવાની કામગીરી પૂર્ણ કરવા કડક આદેશો આપવામાં આવ્યા છે.”


Related Posts

Load more