અમદાવાદમાં ઢોસા કાંડમાં અપડેટ – પોલીસે પિતા, દાદાબાની કરી કલાકો પૂછપરછ; જાણો શું કહ્યું?

By: Nation Gujarat Team
12 Apr, 2026
અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં બહારથી ખરીદીને લાવેલા ખીરામાંથી ઘરે ઢોસા ઉતારીને ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં પરિવારની બે દીકરીઓ અઢી માસની રાહા અને ત્રણ વર્ષની મિસ્ટીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જે બાદ આ કેસની આખા રાજ્યમાં ભારે ચર્ચા છેડાઈ છે. આ કેસમાં અત્યાર સુધીમાં અનેક ખુલાસા થયા છે. પોલીસે અત્યાર સુધીમાં 25 જેટલા લોકોના નિવેદન પણ લીધા છે. પ્રાથમિક તપાસમાં કે ડોક્ટરોના અભિપ્રાયમાં ઢોસા ખાવાથી આ ઘટના બની હોય તેવું ક્યાંય પુરવાર થતું નથી. જે બાદ પોલીસે વિમલ પ્રજાપતિ સહિત માતાપિતા ગૌરી શંકર અને કુસુમ પ્રજાપતિની અનેક કલાકો સુધી પૂછપરછ કરી હતી. પણ તેમાં માત્ર ખીરુંના ઢોસા બનાવીને ખાધા બાદ તબિયત લથડી હોવાનું જ રટણ કરી રહ્યા છે. આ મામલાની ગૂંચ ઉકેલવાનો પ્રયાસ કરતી પોલીસ માટે આ કેસ દિવસે ને દિવસે જટિલ બની રહ્યો છે.
જોકે, મૃતક દીકરીઓના માતા ભાવનાબેન હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના ડિસ્ચાર્જ થયા બાદ પોલીસ પૂછપરછ કરશે. તો બીજી બાજુ બાળકીઓનો એફએસએલ રિપોર્ટ અને અન્ય રિપોર્ટ આવવાના છે. જો આ રિપોર્ટ અને પૂછપરછમાં કોઈ હકીકત નહીં મળે તો પોલીસ બાળકીઓના માતાપિતા અને દાદાદાદીના લાઇ ડિટેક્શન ટેસ્ટની કાર્યવાહી કરી શકે છે.
પ્રજાપતિ પરિવારની બે દીકરી રાહા અને મિસ્ટીના મોત મામલે બાળકીના દાદા, દાદી, ફોઇ અને પિતા સહિતના લોકોની કલાકો સુધીની પૂછપરછ કરી હતી. જેમાં તમામ લોકો ખીરું ખાધા બાદ જ તબિયત બગડી હોવાનું રટણ કરી રહ્યા છે. જેના કારણે આ ઘટનાનું રહસ્ય હજુ પણ ઉકેલાઈ રહ્યું નથી. ત્યાં પરિવારજનો કશુંક તો છુપાવી રહ્યા હોવાનું પોલીસ માની રહી છે.
એએમસીએ જે સેમ્પલ મેળવ્યા તેમાં જંતુનાશક ઝેર હોવાનો રિપોર્ટ આપ્યો હતો. આ બાબતે વિમલ પ્રજાપતિની પૂછપરછ કરી હતી. જેમાં તેણે ઘઉંમાં નાખવાની 10 પડીકી ખરીદીને ઘરમાં આપી હતી. જે બાદ શું થયું તેનાથી તે અજાણ હોવાનું રટણ કરી રહ્યો છે. નોંધનીય છે કે, એએમસીના હેલ્થ વિભાગ દ્વારા વિમલ પ્રજાપતિ અને તેમની પત્ની ભાવનાબેન પ્રજાપતિના બ્લડ સેમ્પલની તપાસ કરવામાં આવતા તેમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઈડના અંશો મળી આવ્યા છે. આ દવા સામાન્ય રીતે અનાજને જીવાતોથી બચાવવા માટે વપરાય છે. આ ખુલાસા બાદ ફૂડ પોઇઝનિંગની થિયરી અટકાવી દેવામાં આવી છે. બંને બાળકીના પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ હજુ બાકી છે, જે આવ્યા બાદ જ આ કેસમાં વધુ સ્પષ્ટતા જોવા મળશે. પોલીસે દાદા દાદીની પૂછપરછ કરી છે. દંપતીના સીડીઆરની તપાસ ચાલી રહી છે.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે, ઘરેથી ભાવનાબેનની એક ડાયરી મળી આવી છે. જેમાં તેણે પુત્ર પ્રાપ્તિની ઇચ્છાઓ લખી હતી. બીજી દીકરી જન્મી તે પહેલાની આ ડાયરી છે. જેમાં લખેલું છે કે, મને પુત્ર પ્રાપ્તિ થશે તો હું મંદિરે પગે લાગવા જઈશ. આ સાથે તેમણે જણાવ્યું કે, પતિ પત્નીના નિવેદનોમાં વિરોધાભાસ નથી પરંતુ હાલની પરિસ્થિતિમાં તેમની પણ શંકાના દાયરામાં રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ હવે એફએસએલ, પીએમ અને વિસેરાના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. આ રિપોર્ટના આધારે પણ પોલીસ તમામ લોકોની અને ખાસ ભાવનાબેનને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પૂછપરછ કરશે. જો, તેમની પૂછપરછમાં પણ કોઈ કડી નહીં મળે તો પોલીસ રિપોર્ટ આધારે કાર્યવાહી કરશે. સાથે જો રિપોર્ટમાં સચોટ હકીકત ન મળે તો પોલીસ બાળકીઓના માતા પિતા, દાદા દાદીના લાઇ ડિટેક્શન ટેસ્ટ માટે કોર્ટ પાસેથી મંજૂરી માંગી આગળની કાર્યવાહી કરે તેવી શક્યતા છે.

Related Posts

Load more