આજથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તેના માટે અનેક જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. એસજી હાઈવે, એસપી રીંગ રોડ અને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ક્લબો, પાર્ટી પ્લોટ અને વિશાળ જગ્યામાં ગરબા મહોત્સવ છે. ત્યારે ફાયર NOC માટે 92 લોકોએ અરજી કરી છે, જેમાંથી માત્ર 40 અરજી આજે 11 ઓક્ટોમ્બર બપોરે 12 વાગ્યા સુધી મંજૂર કરવામાં આવી છે. અન્ય ગરબા આયોજકો દ્વારા ફાયર વિભાગના નિયમો મુજબ હજી સુધી કામગીરી ન કરી હોવાથી મંજૂરી આપી શકાઈ નથી. જેથી પોલીસની મંજૂરી પણ આપવામાં આવી નથી.
સાંજે 5 વાગ્યા સુધીમાં ફાયર NOC અપાશે અમદાવાદ ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 92 ગરબા આયોજકોની અરજી આવી છે, જેમાંથી 35થી 40 અરજીને ફાયર NOC આપવામાં આવી છે. કેટલીક જગ્યાએ ગરબા આયોજકો દ્વારા હજી સુધી ફાયરના નિયમો મુજબ કામગીરી કરR આવી નથી. જેથી આજે સાંજે 5 વાગ્યા સુધી ફાયર વિભાગ તપાસ કરીને NOC આપશે. સ્વર્ણિમ નગરી AC ડોમને ગઈકાલે રાત્રે 11 વાગ્યા બાદ મંજૂરી આપવામાં આવી છે, જ્યારે જીગરદાન ગઢવીના AC ડોમના ગરબામાં હજી સુધી ફાયર NOC આપવામાં આવી નથી.
પોલીસ અને ફાયરના ઝડપથી મંજૂરી આપવાના પ્રયાસ પોલીસ વિભાગ અને ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકોને તેમની અરજીને જલ્દીથી મંજૂરી મળે તેના માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આયોજકો સાથે મિટીંગ કરી અને જલ્દી પ્રક્રિયા પૂર્ણ થાય તેના માટે પ્રયાસ કર્યાં હતા પરંતુ ગરબા આયોજકોએ સ્થળ ઉપર નિયમ મુજબ જલ્દીથી કામગીરી ન કરી હોવાથી ફાયર NOC છેલ્લી ઘડી સુધી આપવામાં આવી નથી.
પોલીસ મંજૂરી બાદ ગરબા યોજી શકાશે જ્યાં સુધી ફાયર NOC આપવામાં નથી આવતી ત્યાં સુધી ગરબા આયોજકોને પોલીસ કમિશનર ઓફિસ તરફથી આપવામાં આવતી નવરાત્રિના ગરબાની મંજૂરી પણ આપવામાં આવતી નથી. ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ SG હાઈવે અને SP રિંગ રોડ પર 30 ટકા ગરબા આયોજકોની ફાયર NOCની હજી મંજૂરી આપવાની બાકી છે. આજે સાંજ સુધીમાં ગરબા આયોજકોને ફાયર વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી શકે છે અને ત્યારબાદ જ પોલીસ મંજૂરી આપી અને ગરબા યોજી શકાશે.