ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. એક રીતે મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો આજે નિર્ણય આવી શકે છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ છે. જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે. અમદાવાદને ઇન્ટરનેશનલ ગેમ્સની યજમાની મળવાની પૂરેપૂરી સંભાવના છે. કોમનવેલ્થ સ્પોર્ટ એ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે.
કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ, વિઝન અને ઇફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે.
અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત નવ અલગ-અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે.
ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે. જેમાં 1951 અને 1982 એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે. આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું. જો અમદાવાદને યજમાની મળે છે તો પહેલીવાર એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થાય. એટલું જ નહીં, 2030 માટે અમદાવાદને યજમાની મળે તો એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે.
આમ તો છેલ્લા ત્રણેક વર્ષથી અમદાવાદમાં ઓલિમ્પિક યોજવા માટેની તૈયારીઓમાં સરકાર લાગી ગઈ છે. એટલા માટે જ કોમનવેલ્થ ગેમ્સના આયોજનને એક ટેસ્ટ ઇવેન્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં કોમનવેલ્થ યોજાય એટલે વડાપ્રધાન મોદીથી માંડીને કેન્દ્રીય ખેલ મંત્રાલય તેમજ ગુજરાત સરકાર ઘણા સમયથી પ્રયાસરત છે.
લંડનમાં હર્ષ સંઘવીની આગેવાનીમાં 3 વખત પ્રેઝન્ટેશન થયું અમદાવાદને 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળે એ માટે લાંબા સમયથી મિટિંગ અને મુલાકાતોનો દોર ચાલતો રહ્યો. જેમાં કોમનવેલ્થની ટીમ બે વખત ગુજરાતની મુલાકાતે આવી અને તેમણે માળખાકીય સુવિધાઓ તેમજ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સિવાય લંડનમાં ત્રણ વખત પ્રેઝન્ટેશન પણ થયા હતા.
23 સપ્ટેમ્બર, 2025નો એ દિવસ હતો. અમદાવાદમાં 2030ની કોમલવેલ્થ ગેમ્સનું આયોજન થાય એ માટે લંડનમાં મહત્વની બેઠક મળી રહી હતી. ભારત તરફથી તેની આગેવાની એ સમયના ગુજરાતના રમતગમત મંત્રી (હાલના નાયબ મુખ્યમંત્રી) હર્ષ સંઘવી કરી રહ્યા હતા. કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ 2030ની યજમાનીમાંથી બહાર થઈ ગયા બાદ અમદાવાદ અને નાઇજિરિયાના અબુજા શહેરમાંથી કોને મેજબાની મળવી જોઈએ તેના પર ચર્ચા ચાલી રહી હતી. સવાલ ઉઠ્યો, અમદાવાદમાં એવું તો શું છે જેના કારણે તેને કોમનવેલ્થની મેજબાની મળવી જોઈએ?
વૈશ્વિકમંચ પર થયેલા આ સવાલનો જવાબ ભારતના ડેલિગેશનનું પ્રતિનિધિત્વ કરી રહેલા હર્ષ સંઘવીએ આપવાનો હતો. તેમણે કહ્યું,અમે એવું આયોજન કરવા માગીએ છીએ જે લાંબા ગાળાની અસર ઊભી કરે, નહીં કે ટૂંકા ગાળાનો તમાશો. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણનાં સ્ટેડિયમ્સ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. આગામી સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ જેવી સુવિધાઓ ઊભી કરવાની તૈયારી છે.
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનને સોંપવામાં આવેલી બિડમાં અમદાવાદને એક કોમ્પેક્ટ અને આધુનિક ગેમ્સ ફૂટપ્રિન્ટ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. જે ખેલાડીઓ, અધિકારીઓ અને દર્શકો માટે એકદમ અનુકૂળ અને સુવિધાપૂર્ણ હોય. આમ હોસ્ટ સીટી તરીકે અમદાવાદ ઘણા પેરામિટર્સ પર ખરું ઉતરે એમ છે. મિટિંગમાં હાજર કોમનવેલ્થ ગેમ્સના પ્રતિનિધિઓ અને અધિકારીઓ તેમજ અન્ય દેશથી આવેલા લોકોને પણ આ વાત ગળે ઉતરી. આમ, વૈશ્વિકપટલ પર અમદાવાદની દાવેદારી મજબૂત બની.