અમદાવાદ: શહેરની સીટી સેશન્સ કોર્ટે ઉતરાયણની રાત્રે કાંકરિયા વિસ્તારમાં થયેલી છેડતીના ગંભીર કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે આરોપીની કરતૂત અને ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી કડક વલણ અપનાવ્યું છે. કાગડાપીઠ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી ઉતરાયણના દિવસે પોતાના મિત્રને મળવા કનક સોસાયટી ગઈ હતી. રાત્રિના પોણા દસ વાગ્યે તે સોસાયટીની બહાર ઊભી હતી ત્યારે જમાલપુરના રહેવાસી 28 વર્ષીય આરોપી ઇશાન પવાર એકટીવા પર ત્યાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ યુવતીને ‘₹1000 આપીશ, મારી સાથે ચાલ’ એવી અશ્લીલ માંગણી કરી હતી. યુવતીએ પોલીસને ફોન કરવાની વાત કરતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો. જોકે થોડા સમય બાદ તે ફરી સોસાયટી પાસે આવીને એ જ પ્રકારની માંગણી પુનરાવર્તિત કરી હતી. યુવતી સોસાયટીમાં અંદર જવા લાગી ત્યારે આરોપીએ પાછળથી તેને ધક્કો મારી પાડી દીધી હતી, તેના મોઢા પર હાથ રાખી વાળ ખેંચ્યા હતા. યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના સોસાયટીવાસીઓ દોડી આવ્યા અને આરોપીને પકડીને પોલીસને સોંપ્યો હતો.
આરોપી છેલ્લા 15 દિવસથી જેલમાં હોવાથી તેણે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. બચાવ પક્ષે દલીલ કરી હતી કે, આ ગુનામાં એક વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, અને ઘટના માત્ર બોલાચાલી પૂરતી હતી. જોકે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટેનાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટમાં કડક દલીલ કરતાં જણાવ્યું હતું કે, આરોપીને જામીન મળ્યા તો તે ફરી આવી જ ગુનાહિત પ્રવૃત્તિ કરી શકે છે, તેમજ ફરિયાદી અને સાક્ષીઓને ધમકાવવાની શક્યતા છે.
બન્ને પક્ષોની દલીલો સાંભળી સેશન્સ કોર્ટે આરોપીની હરકતોને ગંભીર ગણાવી તેની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ સંદેશો આપ્યો કે મહિલાઓની સલામતી સાથે સંકળાયેલા કેસોમાં કોઈ ઢીલાશ રાખવામાં નહીં આવે.