અમદાવાદ શહેરમાં પડેલા વરસાદ બાદ વિરાટનગરથી નિકોલ ગામ તરફ જતાં માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક સ્થળોએ રસ્તા પર એટલું પાણી ભરાયું હતું કે પસાર થતી ગાડીઓના અડધા ટાયર સુધી પાણીમાં ડૂબી જતા જોવા મળ્યા. રોડ પર પાણી ભરાતા ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી. ખાસ કરીને ઓઢવ રિંગ રોડથી નિકોલ દાસ્તાન સર્કલ સુધીના વિસ્તારમાં પાણી ભરાવાને કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાફિકનું દબાણ વધતા ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વાહનોની અવરજવર સુચારૂ બને તે માટે ટ્રાફિકનું નિયમન તથા ક્લિયરન્સની કામગીરી હાથ ધરી હતી. જેના કારણે ધીમે ધીમે ટ્રાફિકની સ્થિતિમાં સુધારો નોંધાયો હતો.
સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે, ભારે વરસાદ દરમિયાન આ માર્ગ પર વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થાય છે. તેઓએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક વ્યવસ્થા કરવાની માંગ વ્યક્ત કરી હતી. પ્રશાસન તરફથી વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર ધીમી ગતિએ પસાર થવાની સલાહ આપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ગુરુવાર સવારથી વરસી રહેલા અતિભારે વરસાદ અને સમગ્ર શહેરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના જિલ્લા કલેક્ટરની ખાસ સૂચના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં આવતીકાલે (શુક્રવારે) રજા જાહેર કરવામાં આવી છે.
ભારે વરસાદ વચ્ચે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા S.G. હાઈવે પર થલતેજથી ઇસ્કોન તરફના માર્ગે કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અતિભારે ટ્રાફિકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ પેલેડિયમ મોલ ચાર રસ્તા પાસે લાંબો સમય સુધી ફસાઈ ગયો હતો. ટ્રાફિક હળવો કરવા માટે પેલેડિયમ મોલ પાસેનો રોડ કટ પણ ખોલવો પડ્યો હતો.
પાણી ભરાવાના કારણે તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે અખબાર નગર, પરિમલ, જલારામ, ઉસ્માનપુરા અને શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં વાસણા બેરેજના 3 ગેટ ખોલી દેવાયા છે અને સાબરમતી નદી કિનારે ન જવાની નાગરિકોને કડક અપીલ કરવામાં આવી છે.