અમદાવાદ શહેરમાં પડેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. માત્ર એક દિવસમાં આખુ અમદાવાદ શહેર પાણી-પાણી થઈ ગયું છે. ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. ખાસ કરીને શેલા વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
શેલાની આકાશ રેસીડેન્સી સોસાયટીના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ જતાં પાર્કિંગમાં ઉભેલી આશરે 20થી વધુ કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ગત રોજ સવારથી ભરાયેલા પાણી હજુ સુધી યથાવત રહેતાં રહેવાસીઓમાં ચિંતા વ્યાપી છે.
બીજી તરફ, ક્લબ O7 રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રોડ પર પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શેલા વિસ્તાર જળમગ્ન બનતાં અનેક સ્થળોએ સ્થાનિકોને ટ્રેક્ટરના સહારે અવરજવર કરવાની ફરજ પડી રહી છે. અનેક સોસાયટીઓમાં જળભરાવની સ્થિતિ સર્જાતા લોકોમાં તંત્રની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણી ન ઓસરતાં જનજીવન હજુ સુધી પ્રભાવિત છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીના નિકાલ માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.