આધુનિકતાના આ યુગમાં પણ શ્રદ્ધા અને સંકલ્પની શક્તિ કેટલી અતૂટ હોઇ શકે તેનું જીવંત ઉદાહરણ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા સદીઓ જૂના નિલકંઠ મહાદેવ મંદિરમાં જોવા મળે છે. અહીંની પરંપરા એટલી કઠોર છે કે જે સાંભળીને ભલભલા આશ્ચર્યચકિત થઇ જાય. આ મંદિરના મહંત એકવાર ગાદી પર બિરાજમાન થયા પછી મંદિરના પ્રાંગણની બહાર આજીવન પગ મૂકતા નથી.
ભલે ગંભીર બીમારી હોય કે મોટી દુર્ઘટના હોય મહંત ક્યારેય આ નિયમ તોડતા નથી. જો ઓપરેશનની જરૂર પડે તો આખું ઓપરેશન થિયેટર મંદિરના પરિસરમાં ઊભું કરવામાં આવે છે પણ મહંત બહાર નથી જતા. જો કોઇ વિવાદ થાય અને સમગ્ર મામલો કોર્ટમાં પહોંચે તો પણ કોર્ટના બેલિફ મંદિરમાં આવીને મહંતની જુબાની લઇ જાય છે. 650 વર્ષ જૂની ચેતન ધૂણી અને હીરાપુરી મહારાજના અટલ સંકલ્પ સાથે જોડાયેલી આ ગાથા માત્ર પરંપરા નથી પણ એક અતૂટ આધ્યાત્મિક શિસ્તનું ઉદાહરણ છે.
મંદિરમાં કોઠારી, કારોબારી, સંત-મહાત્મા, ભક્તો છે પણ ગાદીપતિ સિવાય બધાને બહાર જવાની છૂટ છે. ગાદીપતિ અહીં બેસીને જ વહીવટ કરે છે. આ મંદિરની જૂનાગઢમાં, વાડજમાં કાશ્મીરા મહાદેવ, દરિયાપુરમાં ગોપનાથ મહાદેવ, હરિપુરામાં જલાલપુર હનુમાન, જમાલપુરમાં હનુમાન મંદિર એમ ઘણી જગ્યાઓ છે.
ચોકમાં આગ લાગી તો પણ મહંત મંદિરમાં જ રહ્યાં એક વખત મંદિરના પરિસર બહાર ચોકમાં આગ લાગી હતી. અસારવાના અગ્રણીઓએ હિમાલયા દર્શન બનાવ્યું હતું. જેમાં સાંજે 5:45 વાગ્યે ઇલેકટ્રીક શોટસર્કિટના કારણે આગ લાગી હતી. આ સમયે જે ગાદીપતિ હતા તે બહાર નહોતા ગયા. પરિસરમાં જ રહ્યાં હતા.
12 વર્ષ પહેલાં ઓમાનંદગીરી મંદિરના ગાદીપતિ બન્યાં હતા. તેમણે 26 વર્ષ સુધી મંદિરમાં કામ કર્યું છે. તેઓ કહે છે કે, મારી પહેલાંના મહારાજ 40 વર્ષ ગાદી પર રહ્યાં હતા. આગ લાગી ત્યારે પણ તેઓ બહાર ગયા નહોતા. આ તપોભૂમિ છે, તપના કારણે અમે બચ્યાં છીએ.
મંહત ઓમાનંદગીરીએ મંદિરની સ્થાપના કેવી રીતે થઇ તેની માંડીને વાત કરી. તેઓ જણાવે છે કે, હરિદ્વારમાં નિરંજની અખાડાના સંત સ્વામી હીરાપુરીએ 650 વર્ષ પહેલાં આ જગ્યાની સ્થાપના કરી હતી. નિરંજની અખાડામાં તેમને મતભેદ થતાં તેઓ ત્યાંથી નીકળીને આ વિસ્તારમાં ફરતાં ફરતાં આવ્યા હતા.
ચાલુ વરસાદે ધૂણી ધખતી હતી ‘હીરાપુરી સ્વામી પ્રથમ દેવ દરબારમાં રોકાયા હતા ત્યાંથી ફરતાં ફરતાં લુણાવાડા આવ્યા હતા. લુણાવા઼ડામાં તે વખતે મહંત મનોહરનાથ હતા. હીરાપુરી સ્વામી તેમના શિષ્ય બનીને સેવામાં લાગી ગયા હતા. મનોહરનાથ એટલા સિદ્ધ પુરુષ હતા કે જોરદાર વરસાદમાં પણ તેમની ધૂણી ધખતી હતી.’
ગુરૂએ હીરાપુરી સ્વામીને સેવા કરવાનો આદેશ આપ્યો મહંતે આગળ કહ્યું કે, લુણાવાડાના મહારાજે પણ વરસાદમાં તેમની ધખતી ધૂણીને જોઇ હતી. બીજા દિવસે રાજાએ ખુદ ત્યાં જઇને મહંતના દર્શન કર્યા હતા અને તેમને આખો પહાડ આપી દીધો હતો. મનોહરનાથને વસંતગીરીના નામના એક શિષ્ય પણ હતા. જ્યારે મનોહરનાથનો અંતિમ સમય આવ્યો ત્યારે તેમણે શિષ્ય વસંતગીરીને કહ્યું કે તમે ચારધામની યાત્રા કરી આવો અને હીરાપુરીને કહ્યું તમે મારી સેવામાં રહેજો. સ્વામીના કહ્યાં પ્રમાણે બન્ને શિષ્યોએ કર્યું.
હીરાપુરી મહારાજ કેવી રીતે અમદાવાદ આવ્યાં? ‘મનોહરનાથે એક દિવસ હીરાપુરીનાથને કહ્યું કે હવે હું દેહ છોડી દઇશ. મારી સમાધિ લગાવી દેજો અને જ્યારે વસંતગીરી આવે ત્યારે તેમને આ જગ્યા સોંપી દેજો અને તમે અમદાવાદ તરફ જજો, જ્યાં તમને ચેતન ધૂણી મળે ત્યાં બેસીને જપ-તપ કરજો. વસંતગીરી ચારધામની યાત્રાએથી આવ્યા એટલે ગુરૂના કહેવા પ્રમાણે હીરાપુરીએ તેમને જગ્યા સોંપી દીધી અને પોતે અમદાવાદ આવ્યા. આજે પણ અમારા મંદિરમાં ચેતન ધૂણી છે અને અમે તેની સેવા-પૂજા કરીએ છીએ.’
400 સાધુઓના ભોજનનો કિસ્સો મહંત ઓમાનંદગીરીના કહેવા પ્રમાણે, હીરાપુરી સ્વામી જ્યારે અહીંયા રહીને જપ-તપ કરી રહ્યાં હતા ત્યારે તેમની પાસે એક અકલ અખાડાની જમાત આવી. જમાતમાં 400 સાધુ હતા. તેઓ સવારે 10 વાગ્યે આવ્યા હતા. અમારા સાધુઓમાં 11, 11:30 વાગ્યે હરિહર (ભોજન) થાય છે. 400 સાધુઓનું ભોજન તો કોઇએ બનાવી ના રાખ્યું હોય.
કોઠારી સ્વામીએ જ્યારે હીરાપુરી સ્વામીને 400 સાધુઓના હરિહર વિશે કહ્યું ત્યારે હીરાપુરીએ કહ્યું કે તમે તેમને અનાજ આપી દો, તેઓ બનાવી લેશે પણ અખાડાના સાધુઓએ ના પાડીને કહ્યું કે તમે જે બનાવ્યું હશે અમે તે જ ખાઇશું.
મહંત ઓમાનંદગીરી કહે છે કે, આ સમયે હીરાપુરી સ્વામી ચાદર ઓઢીને બેઠાં હતા. તે ચાદર ઉતારીને કોઠારી સ્વામીને આપીને કહ્યું કે જે ભોજન બનાવ્યું છે તેને સાથે રાખીને તેના પર ચાદર ઓઢાડીને હરિહર ચાલુ કરી દો. જેના પછી તમામ સાધુઓએ હરિહર કર્યું. કોઠારી સ્વામી હીરાપુરી પાસે આવ્યા અને કહ્યું કે, સ્વામી બધાંએ ભોજન કરી લીધું છે એટલે હીરાપુરીએ કહ્યું કે, ભાઇ મારી ચાદર લાવો. આ સમયે જેટલું ભોજન બનાવ્યું હતું તેટલું પડી રહ્યું હતું.
કૂવામાંથી ઘી કાઢ્યું! વાતને આગળ વધારતા ઓમાનંદગીરીએ બોલ્યા, સાંજે જમાતવાળા સાધુએ માલપૂવાં ખાવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે ભઠ્ઠી સળગાવીને માલપૂવાં બનાવવાનું ચાલુ થઇ ગયું. લાકડીમાંથી ઘી પડતું હતું અને તે ઘીથી માલપૂવાં બની રહ્યાં હતા. રાત પડી ત્યારે ઘી ખૂટી ગયું. કોઠારી સ્વામીએ હીરાપુરી સ્વામીને વાત કરી તો તેમણે કહ્યું કે સામે ગંગાજલી (કૂવો) છે તેમાંથી જોઇએ તેટલું કાઢી લો, આપણે સવારે પાછું નાખી દઇશું.
જ્યારે હીરાપુરી સ્વામીએ મરેલાં કૂતરાં પર હાથ ફેરવ્યો ‘આમ માલપૂવાં બનાવ્યા બાદ સાધુઓની પગંત બેસી હતી. પહેલાંના સમયમાં સંત-મહાત્મા એકબીજાની કસોટી કરતાં હતા. એક મહાત્માએ કૂતરાંને મારીને વચ્ચે નાંખી દીધો અને હીરાપુરી સ્વામી પાસે આવીને કહ્યું કે પંગતમાં કૂતરું મરેલું પડ્યું છે, અમે પંગતમાં ભોજન નહીં કરીએ, જગ્યા અશુદ્ધ થઇ ગઇ છે. હીરાપુરી સ્વામી ઉઠીને ત્યાં ગયા અને કૂતરાં પર હાથ ફેરવ્યો અને કહ્યું કે ભેરૂ અંદર જતો રહે અને કૂતરો ઉઠીને જતો રહ્યો અને પંગત શાંતિથી પૂર્ણ થઇ. આજે પણ મારી પાસે ભેરૂ બાબાની મૂર્તિ છે.’
આકરી કસોટી બાદ હીરાપુરી સ્વામીએ 2 સંકલ્પ લીધા હતા.
ઓમાનંદગીરીએ ઉમેર્યું કે, હીરાપુરી સ્વામીએ મહાત્માને કહ્યું કે તમે બહુ કસોટી કરી છે. તમારા કારણે દેવતાઓએ કષ્ટ વેઠવું પડ્યું છે. હવે વધારે કસોટી ન કરો તો સારૂં છે. આના પછી હીરાપુરી સ્વામીએ મંદિર પરિસર બહાર નહીં જવાનો અને કોઇની પાસે ભીખ નહીં માંગવાનો સંકલ્પ કર્યો હતો. અમે આજે પણ હીરાપુરી મહારાજના સંકલ્પને માનીએ છીએ.
રાજાએ 400 સાધુઓની હત્યા કરી મહંતે વધુમાં કહ્યું કે, બીજા દિવસે સવારે એ સાધુઓની જમાત જવા લાગી ત્યારે હીરાપુરી સ્વામીએ તેમને પૂછ્યું કે ક્યાં જશો? તો મહાત્માએ કહ્યું કે ધોળકા-ધંધુકા-વીરમગામ વિસ્તારમાં જઇશું. હીરાપુરી સ્વામીએ તેમને જવાની ના પાડી તેમ છતાં સાધુઓની જમાત ગઇ અને તે સમયના રાજા મહંમદ બેગડાના સિપાહીઓ સાથે કંઇ ખટપટ થઇ અને તેમણે 400 સાધુઓને મારી નાખ્યા હતા. આજે પણ વીરમગામમાં આવેલા એક મોટા તળવાની ચારેબાજુ 400 સમાધિઓ છે.
ઓમાનંદગીરી કહે છે કે, પહેલાંના સમયમાં જ્યારે કોઇ કાયદાકીય મેટર આવતી તો કોર્ટ નિવેદન લેવા માટે ખુદ મહારાજ પાસે આવતી હતી. હું જ્યારથી અહીંયા છું ત્યારથી મારી સામે આવું કંઇ થયું નથી કે કોર્ટની મેટર અહીંયા આવી નથી. મહંતને કોઇ તકલીફ પડે તો ડૉક્ટર જેટલો ઇલાજ થાય તેટલો કરશે. ના થાય તો દૈવી શક્તિ પર છોડી દેવું પડે.
તેમણે પોતાની આંખના ઓપરેશનનું ઉદાહરણ પણ આપ્યું. તેઓ કહે છે કે, મને પોતાને જ 6 વર્ષ પહેલાં આંખની તકલીફ થઇ હતી ત્યારે મશીન મળતું નહોતું. 4-5 મહિના થઇ ગયા હતા. જ્યાં સુધી મશીન ન મળ્યું ત્યાં સુધી અમારે ચલાવવું પડ્યું. 4-5 મહિના પછી કોઇ ડૉક્ટરે અમદાવાદમાં દોઢ કરોડની કિંમતનું આંખનું મશીન મગાવ્યું હતું. જેને અહીં મંદિર પરિસરમાં લાવ્યા અને મારૂં ઓપરેશન કર્યું હતું.
‘7 દિવસ પછી બીજી આંખનું ઓપરેશન થઇ ગયું. નવમા દિવસે મશીનને જે રીતે પેકિંગ હતું તેમ કરીને જે ડૉક્ટરે ઓર્ડર આપ્યો હતો ત્યાં જઇને ફિટ કરી આવ્યા હતા.’
અહીં મહંત બનાવવાના નિયમો વિશે પણ તેમણે વાત કરી. ઓમાનંદગીરી જણાવે છે કે, જેને મહંત બનવું હોય તે અહીંયાના વહીવટથી વાકેફ હોવો જોઇએ. તે કોઇ કારણસર ના બને તો મારા સાધક મહંત બની શકે છે. અમારા નિરંજની અખાડાના નાગા બાવા મારે ત્યાં આવીને સાધક બની શકે છે. મને જે યોગ્ય લાગે તેને હું સાધક બનાવું છે. આ સાધકમાંથી જ મારા મૃત્યુ પછી જે યોગ્ય હશે તેની મહંત તરીકે નિયુક્તિ કરવામાં આવશે.
‘મારા જે 5 કે 6 સાધકો હોય તેમાંથી જ એકની પસંદગી કરવામાં આવે છે પછી અમે ચેરિટિ કમિશનરમાં અરજી કરીશું. 16મા દિવસે, સવા મહિને કે પછી ત્રણ મહિનામાં ગાદી પર મહંત બનાવવા અનિવાર્ય છે.’