અમદાવાદની આ સહકારી બેંક પર RBIના કડક પ્રતિબંધો, ગ્રાહકોના રૂપિયા ફસાયા! જાણો હવે શું થશે?

By: Nation Gujarat Team
12 Mar, 2026

Ahmedabad News: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંકના તમામ નાણાકીય વ્યવહારો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, બેંકમાંથી થતા તમામ પ્રકારના ઉપાડ બંધ કરી દેવાયા છે અને બેંક હસ્તકની કોઈપણ સંપત્તિનું વેચાણ કે હસ્તાંતરણ RBIની પૂર્વ મંજૂરી વગર થઈ શકશે નહીં. બેંકના કોઈપણ વ્યવહાર કે વહીવટી નિર્ણય પર પણ હાલ રોક લગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બેંક સાથે આશરે 9,900 સભ્યો જોડાયેલા છે અને તેમાં અંદાજે 6 કરોડ રૂપિયાની થાપણો તથા 3 કરોડ રૂપિયાના શેર રહેલા છે, જેના ભવિષ્યને લઈને હવે ચિંતાઓ સેવાઈ રહી છે.

11 માર્ચથી આદેશનો અમલ
RBI દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો મુજબ, આ પ્રતિબંધો 11 માર્ચ, 2026 ના રોજ કામકાજ પૂર્ણ થયા બાદથી અમલમાં આવી ગયા છે. આ કડક નિર્ણય પાછળ બેંકના 9,900 જેટલા સભ્યો અને થાપણદારોના હિતોનું રક્ષણ કરવાનો મુખ્ય હેતુ હોવાનું જાણવા મળે છે.

બેંક પર લાદવામાં આવેલા મુખ્ય પ્રતિબંધો
રિઝર્વ બેંકના આદેશ અનુસાર હવે બેંક નીચે મુજબના કોઈ પણ કાર્યો RBIની પૂર્વ મંજૂરી વગર કરી શકશે નહીં. બેંક હવે કોઈ નવી લોન આપી શકશે નહીં કે જૂની લોનનું રિન્યુઅલ કરી શકશે નહીં. ઉપરાંત, બેંક દ્વારા કોઈ પણ પ્રકારનું નવું રોકાણ કરવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. બેંક નવી થાપણો (Deposits) સ્વીકારી શકશે નહીં. બેંક હસ્તકની કોઈ પણ જંગમ કે સ્થાવર મિલકતનું વેચાણ, ટ્રાન્સફર કે નિકાલ પૂર્વ મંજૂરી વગર થઈ શકશે નહીં. બેંક માત્ર અનિવાર્ય ખર્ચ જેવા કે કર્મચારીઓના પગાર, ભાડું અને વીજળી બિલની ચૂકવણી કરી શકશે.

થાપણદારો માટે ચિંતાના સમાચાર: ઉપાડ પર પ્રતિબંધ
બેંકની લિક્વિડિટી (તરલતા) ની નબળી સ્થિતિને જોતા, RBIએ ગ્રાહકોને તેમના બચત કે ચાલુ ખાતામાંથી રકમ ઉપાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ સમાચારને પગલે મધ્યમ વર્ગના કર્મચારીઓ અને નાના થાપણદારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

શું તમારી થાપણ સુરક્ષિત છે?
જે થાપણદારોની રકમ બેંકમાં ફસાઈ છે, તેમને DICGC (Deposit Insurance and Credit Guarantee Corporation) એક્ટ હેઠળ રક્ષણ મળશે. લાયક થાપણદારો વધુમાં વધુ 5,00,000 (પાંચ લાખ રૂપિયા) સુધીની વીમા રકમ મેળવવા માટે હકદાર રહેશે.

બેંકની આર્થિક સ્થિતિ પર નજર
આ બેંક સાથે અંદાજે 9,900 સભ્યો જોડાયેલા છે. બેંક પાસે આશરે 6 કરોડ રૂપિયાની થાપણો અને 3 કરોડ રૂપિયાના શેર છે. લાંબા સમયથી કામગીરીમાં સુધારાનો અભાવ અને બેંકિંગ નિયમોના ઉલ્લંઘનને કારણે આ આકરો નિર્ણય લેવો પડ્યો છે.

શું બેંકનું લાઇસન્સ રદ થયું છે?
ના, RBIએ સ્પષ્ટતા કરી છે કે આ માત્ર પ્રતિબંધાત્મક નિર્દેશો છે. આનો અર્થ એ નથી કે બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. બેંક હાલમાં પ્રતિબંધો સાથે કાર્યરત રહેશે અને તેની આર્થિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. હાલમાં આ પ્રતિબંધો 6 મહિના સુધી અમલમાં રહેશે.


Related Posts

Load more