અમદાવાદમાં પોતાનું ઘર ધરાવવાનું સ્વપ્ન જોતા મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુવર્ણ તક પૂરી પાડવામાં આવી છે. AMC દ્વારા શહેરના પાંચ જુદા જુદા વિસ્તારોમાં ખાલી પડેલા 553 LIG (લોઅર ઇન્કમ ગ્રુપ) આવાસો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
જે અંતર્ગત ઓછી આવક ધરાવતા લોકોને નજીવી કિંમતે પોતાનું ઘર બનાવી આપવાનું કામ મિશન મોડ પર ચાલી રહ્યું છે. લોઅર ઈન્કમ ગ્રુપ (LIG) આવાસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઇન ફોર્મ ભરાવવાની શરૂઆત થઇ ગઇ છે અને 12 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ આવાસ માટે કોમ્યુટરાઇઝડ ડ્રો પદ્ધતિથી મકાનની ફાળવણી કરવામાં આવશે. અમદાવાદ શહેરના ઓછી આવક ધરાવતા પરિવારોને ઘરનું ઘર પુરું પાડવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ આવાસો નિકોલ, ચાંદખેડા, રખિયાલ, વસ્ત્રાલ અને વેજલપુર જેવા અમદાવાદના અગ્રણી વિસ્તારોમાં આવેલા છે. આ આવાસો વર્ષ 2016-17માં બાંધવામાં આવ્યા હતા અને હાલમાં કુલ 553 યુનિટ્સ ખાલી છે, જેની ફાળવણી માટે AMCએ પ્રક્રિયા શરૂ કરી છે.
આ આવાસો માટે LIG એટલે કે લોઅર ઇન્કમ ગ્રુપ હેઠળ આવતા પરિવારો અરજી કરી શકશે. જેમાં વાર્ષિક રૂ. 3 લાખ થી રૂ. 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો લાભ લઈ શકશે. આ આવાસો માટે લાભાર્થી ફાળાની રકમ 10,50,000 અને મેઈન્ટેનેન્સની રકમ 50 હજાર નિર્ધારિત કરવામાં આવી છે.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર નિર્ધારિત કરવામાં આવી છે. ઇચ્છુક અરજદારો AMCની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર જઈને આજથી (30 જુલાઇ) ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ 1 BHK ફ્લેટ આકર્ષક સુવિધાઓથી સજ્જ છે. 1 BHK ફ્લેટનું ભૂકંપ પ્રુફ બાંધકામ, વીટ્રીફાઈટ ટાઈલ્સ ફ્લોરિંગ,પાર્કિંગ સહિત અન્ય જગ્યા પર પેવર બ્લોકનું પેવિંગ, આકર્ષક એલિવેશન, ફાયર સેફ્ટી, ગ્રેનાઈટનું કિચન પ્લેટફોર્મ અને પાવર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઈડિંગ વિન્ડોઝ મળશે.