અંબાજીમાં ભાદરવી મહામેળાનો પ્રારંભ: શ્રધ્ધા, ભકિત અને સેવાનો સમન્વય

By: nationgujarat
12 Sep, 2024

અંબાજી: વિશ્વપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. આજથી આગામી 18 સપ્ટેમ્બર સુધી સાત દિવસ ચાલનાર મેળામાં લાખો ભકતો માના દર્શનાર્થે ઉમટશે ત્યારે અંબાજી જતા માર્ગો ઉપર પદયાત્રિકોનુ ઘોડાપૂર શરૂ થયુ છે.

બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ભકતો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. યાત્રાધામ અંબાજીમાં આજે સવારે 9 કલાકે દાંતા રોડ પરના સિંહદ્વારથી રથના પ્રસ્થાન સાથે મેળાનુ ઉદઘાટન કરવામાં આવશે. આ વખતે દર્શનના સમયમાં વધારો કરાયો છે. ભકતો સવારે 6 થી 12 વાગ્યા સુધી અવિરત માતાજીના દર્શન કરી શકશે.

એલઈડી સ્ક્રીન અને પ્લાઝમા ટીવી પર મેળાનુ સતત જીવંત પ્રસારણ કરાશે. શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કીંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખા, સફાઈ, પાણી, ટોઈલેટ સહિતની સુવિધાઓ અને સગવડો ઉભી કરવામાં આવી છે. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનુ આયોજન કરાયુ છે.

અંબાજીના મેળામાં ભકિત અને સેવાનો અનોખો સમન્વય જોવા મળે છે. શકિતપીઠ અને વિશ્વપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કરોડો માઈભકતોની આસ્થાનુ કેન્દ્ર છે. અરવલ્લીની ગિરીમાળાઓથી ઘેરાયેલા અંબાજીમાં માઈભકતો માં અંબેની આરાધનામાં લીન બને છે. આ વર્ષે લાખો પદયાત્રિકોએ પ્રયાણ કર્યું છે. આ મેળો પદયાત્રિકોનો ‘મા’ પ્રત્યેનો અતુલ્ય દર્શનભાવ દર્શાવે છે.

નવરાત્રીમાં માં અંબે ગરબા રમવા આવજેના આમંત્રણ માટે પદયાત્રિકો હજારો માઈલ અંતર કાપી માંને મળવાની દોટ મૂકે છે. પૂનમે માતાજીને મળવાના સંકલ્પ સાથે બોલ મારી અંબે જય જય અંબે નાદ સાથે યાત્રિકો અરવલ્લીના પર્વતોને ડોલાવી મૂકે છે. સમગ્ર  બનાસકાંઠા જિલ્લો અને ખાસ કરીને અંબાજી વિસ્તાર ભકિતમય બન્યો છે. ચોમેર આ માં અંબેનો જયજયકાર થઈ રહ્યો છે.

અખંડ અંબાજીમાં ભકિતનુ ઘોડાપૂર નજરે જોવા મળી રહ્યુ છે. ભાદરવી પૂનમના મેળામાં દૂર દૂરથી ભકતો માંના દર્શનાર્થે આવે છે. કોઈ એકલા ચાલીને આવે છે તો કોઈ માનતા પુરી કરવા ઉમટી પડે છે. જેમ જેમ અંબાજી નજીક આવતુ જાય તેમ માંનો પર્વત જોઈ ભકતોના ચહેરા ઉપર રોનક આવી જાય છે.

અંબાજી મંદિર પ્રાંગણમાં પહોંચતા જ સમગ્ર થાક ઉતરી જાય તેવો ભાવ પદયાત્રિકો અનુભવે છે. આ મેળામાં શકિત ભકિત અને શ્રધ્ધાનો અનોખો સંગમ સર્જાય છે ત્યારે આ વર્ષે 243 સેવા કેમ્પોની નોંધણી થઈ છે. આ સિવાય અનેક સેવા કેમ્પો પદયાત્રિકોની સેવામાં શરૂ કરવામાં આવ્યા છે. 2500થી વધુ સંઘો યાત્રાધામ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ભાદરવી પૂનમના દિવસે માં અંબેનુ ધામ અંબાજી દર્શનાર્થીઓથી ખીચોખીચ ભરાઈ જશે અને સમગ્ર મંદિર પરિસર બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠશે.

 

► ગબ્બર પર્વત પર લાઈટીંગ શોનું આકર્ષણ
અંબાજી ગબ્બર પર છેલ્લા બે વર્ષથી લાઈટ અને સાઉન્ડ શો શરૂ કરાયો છે. જે યાત્રિકો માટે આકર્ષણનુ કેન્દ્ર છે. લાઈટીંગ શો સાંજના 7 વાગ્યે શરૂ કરવામા આવે છે ત્યારે પર્વત ઝગમગી ઉઠે છે. 200 થી 300 મીટર સુધી આ લાઈટને સ્પ્ષ્ટ રીતે જોઈ શકાય છે. ભાદરવી પૂનમ દરમ્યાન ગબ્બર ખાતે ત્રણ વાર લાઈટ એન્ડ સાઉન્ડ શોનો પ્રથમ શો રાત્રે 7-30 થી 8-15 આરતી સાથે યોજવામા આવનાર છે.

દ્વિતિય શો: રાત્રે 8-45 થી 9-10 વાગ્યે અને તૃતીય શો: રાત્રે 9-45 થી 10-10 કલાક સુધી યોજાશે. આ બાબતે પદયાત્રિકોએ જણાવ્યું કે, માં અંબેનુ  વિશાળ ચિત્ર ગબ્બર ઉપર જોવા મળે છે. અદ્વુત લાઈટીંગ સાથે લાઈટીંગ શો અહીં યોજવામા આવે છે. સાંજે આરતી સાથે  લાઈટીંગ શો જોવાની ખૂબ જ મજા આવે છે અને માતા સાથે એક  આધ્યાત્મિક નાતો જોડાઈ જાય છે.

 

► અંબાજીમાં  શકિતનું હૃદય હોવાથી મહત્વ
આરાસુરી અંબાજી એટલે શિવશકિત પાર્વતીનુ પીઠસ્થાન. પાર્વતીનુ જ એક સ્વરૂપ તે અંબાજી. અંબાજી ધામ તો 51 શકિતપીઠો પૈકીની એક ‘શકિતપીઠ’ છે. પૌરાણિક કથા પ્રમાણે, પિતા દક્ષના યજ્ઞનાં પતિ શિવનુ અપમાન થયેલુ જાણી સતી પાર્વતી યજ્ઞકુંડમાં કૂદી પડયા. શિવજી તો પાર્વતીનો અર્ધદગ્ધ દેહ ખભે લઈ નૃત્ય કરવા લાગ્યા અને એ સમયે શિવશકિત સતીના અંગો અને ઘરેણા ભારતની ભૂમિ ઉપર 51 સ્થળોએ પડયા અને તે તે સ્થળે માતાજી ભૈરવ સાથે પ્રગટ થયા અને તે સ્થળો ‘શકિતપીઠ’ તરીકે ઓળખાયા.

આરાસુરી અંબાજીમાં દેવી સતીના હૃદયનો ભાગ પડયો હતો. પ્રાણનો આધાર હૃદય હોઈ, અંબાજી સર્વશ્રેષ્ઠ શકિતપીઠ ગણાય છે. દસેક વર્ષ પૂર્વે, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીના મૂળ સ્થાનક ગબ્બર પહાડની ટોચનુ વિસ્તૃતીકરણ કરાયુ છે અને 51 શકિતપીઠ દર્શન પરિક્રમા માર્ગ ગબ્બર ફરતે પ્રદક્ષિણા માર્ગ તૈયાર કરાયો છે.

 

► મહામેળાને લઈ આરતી અને દર્શનના સમયમાં ફેરફાર
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવવામા આવે છે કે, ભાદરવા સુદ 9 ને તા.12-09-2024 થી ભાદરવી પૂનમ તા.18-9-24 સુધી ભાદરવી પૂનમનો મહામેળો-2024 અંબાજી ખાતે યોજાનાર હોઈ આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેમાં આરતી સવારે 6 થી 6-30, રાજભોગ બપોરે 12, દર્શન બપોરે 12-30 થી 17, આરતી સાંજે 19 થી 19-30, દર્શન સાંજે 19-30 થી 24 રહેશે. જયારે તા.19-9-24થી આરતી, દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

 

► પાંચ હજાર કરતા વધુ પોલીસ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત
મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામા આવેલ સુરક્ષા અને સલામતી માટે આ વખતે મેળામાં સુરક્ષા માટે ત્રણ લેયરમાં કામ કરવામાં આવી રહ્યુ છે. 5000 જેટલા પોલીસકર્મીઓ 332થી વધુ કેમેરા અને 20 જેટલી મહિલાઓની ‘સી’ ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વરસાદી વાતાવરણ હોવાથી નદી નાળામાં કોઈ દુર્ઘટના ન બને એ માટે સ્થાનિક તરવૈયાઓ એસડીઆરએફની ટીમ તૈના ત રાખવામા આવી છે. ધર્મશાળાઓ અને હોટેલમાં રોકાતા યાત્રિકોને પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન બાદ જ પ્રવેશ મંજુરી મળે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામાં આવી છે.

 

► ભાદરવી પૂનમના પગપાળા સંઘનું મહત્વ
અંબાજી માતાના મંદિરે વર્ષે દહાડે લાખો શ્રધ્ધાળુઓ  માતાજીના ચરણોમાં શીશ નમાવવા અંબાજી મંદિર આવે છે. એવુ માનવામાં આવે છે કે આશરે 182 વર્ષ પહેલા અમદાવાદમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો અને નગરશેઠે અંબાજી મંદિરે ચાલતા આવવાની બાધા કરી હતી.ત્યારે રોગ બંધ થયો હતો. દિવસ જતા આ બાધાની વાત શ્રધ્ધાળુઓ સુધી પહોંચી ધીરે ધીરે બધા શ્રધ્ધાળુઓએ પોતાની મનોકામના પૂર્ણ કરવા પગપાળા માનતા રાખવા લાગ્યા. સમય જતા  અત્યારે લાખો શ્રધ્ધાળુઓ પોતાની માનેલી બાધાઓ  પૂરી કરવા ભાદરવા માસમાં પગપાળા સંઘ લઈ આવતા થયા છે.

 

► જિલ્લામાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે
અંબાજી સહિત સમગ્ર જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે તેમજ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે તેમ હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યુ હતુ.  12 અને 13 સપ્ટેમ્બરના રોજ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે. ત્યારબાદ વરસાદની શકયતાઓ નહીંવત છે. 14 સપ્ટેમ્બરના રોજ હળવા વરસાદની આગાહી કરવામા આવી છે. આગામી ત્રણ દિવસ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. વાદળછાયા અને ભેજના લીધે પદયાત્રિકોને ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડશે.

► અંબાજીમાં વિનામૂલ્યે ભોજન સુવિધા
અંબાજીમાં છેલ્લા સાત દિવસમાં ગામેગામ યાત્રિકો ઉપટી પડે છે ત્યારે તેમને વાહનોની પાર્કીંગ સુવિધા આરામની સુવિધા તેમજ ભોજન સુવિધા મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા આપવામા આવે છે. આ વર્ષે ત્રણ જગ્યાએ વિનામૂલ્યે ભોજન સુવિધા શરૂ કરવામા આવી છે. અંબિકા ભોજનાલય અંબાજી દિવાળીબા ગુરૂભવન અને ગબ્બર તળેટી ખાતે ભોજન સુવિધા મળી રહેશે. સવારે 10 થી 3 કલાક સુધી અને સાંજે 6 થી રાત્રે 10 કલાક સુધી ભોજન મળી રહેશે. જેમા સ્વાદિષ્ટ બુંદી સાથે ભોજન મળી રહેશે.  જેનો લાભ લેવા મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


Related Posts

Load more