સ્વચ્છતા અવોર્ડ લેનાર સુરતમાં ગંદકીના ઢગ:યુવકે ફરિયાદમાં લખ્યું- ‘લગ્ન કરવા મુશ્કેલ બન્યા, છોકરીવાળા ખેતર જોવા આવે છે ને ગંદકી જોઈને ના પાડી દે છે’

By: Nation Gujarat Team
28 Nov, 2025

આર્થિક વિકાસના માર્ગે અગ્રેસર સુરત શહેર હાલ ગંભીર હવા પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે, જેના કારણે દિવસભર ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. શહેરીજનોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ પ્રદૂષણ વધારવામાં સુરત મહાનગરપાલિકા (SMC)નો ગાર્ડન વિભાગ જ કથિત રીતે સામેલ છે.

રાંદેર વિસ્તારમાં એક કોમન પ્લોટમાં SMC દ્વારા મોટા પ્રમાણમાં ગાર્ડન વેસ્ટ ભેગો કરી સળગાવી દેવાતો હોવાથી આસપાસના લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત મનપાને કરવામાં આવેલી ઓનલાઈન ફરિયાદમાં એક યુવકે તો આક્ષેપ કરતા લખ્યું છે કે, SMC દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીના કારણે મારા લગ્નની વાતોમાં તિરાડ પડી રહી છે. આ ફરિયાદ દર્શાવે છે કે, આ વિસ્તારના લોકો આરોગ્યની સાથે સાથે સામાજિક સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે.

ગાર્ડન વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નીકાલ કરવાના બદલે સળગાવાતો હોવાનો આક્ષેપ નિયમો અનુસાર, શહેરના બાગ-બગીચાઓમાંથી નીકળતા ‘ગાર્ડન વેસ્ટ’નો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખાતર બનાવીને અથવા અન્ય ઈકો-ફ્રેન્ડલી માર્ગે થવો જોઈએ. જોકે, પ્રાપ્ત માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાનો ગાર્ડન વિભાગ આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યો છે. રાંદેર વિસ્તારના એક કોમન પ્લોટમાં SMC દ્વારા મોટા પ્રમાણમાં ગાર્ડન વેસ્ટ ભેગો કરવામાં આવે છે. આ ભેગા કરાયેલા કચરાને પ્રતિદિન મોટા પાયે સળગાવીને તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ગાર્ડન વેસ્ટના આ ઢગલાઓથી કોમન પ્લોટ હવે ડમ્પિંગ યાર્ડ જેવો ભાસી રહ્યો છે. આ પ્રવૃત્તિને કારણે નીકળતો ધુમાડો આસપાસના રહેણાંક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઘૂસી જાય છે, જે સ્થાનિક નાગરિકોના આરોગ્ય માટે સીધો ખતરો ઊભો કરી રહ્યો છે.

સ્થાનિક લોકોએ આ પ્રદૂષણકારી પ્રવૃત્તિ વિરુદ્ધ અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ઓનલાઈન અરજીઓ કરી છે. જોકે, આટલી બધી ફરિયાદો છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા સમસ્યાનો કોઈ નક્કર નિકાલ લાવવામાં આવ્યો નથી. અધિકારીઓની નિષ્ક્રિયતા અથવા બેદરકારીના કારણે ગેરકાયદેસર રીતે ગાર્ડન વેસ્ટ સળગાવવાનું ચાલુ છે. આ બાબતે જ્યારે ગાર્ડન વિભાગના અધિકારી ગજેન્દ્ર ચૌહાણનું ધ્યાન દોરવામાં આવ્યું, ત્યારે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તેમનો વિભાગ આ રીતે કચરો નિકાલ કરે છે. તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે ગાર્ડન વેસ્ટને સળગાવીને નિકાલ કરવો અયોગ્ય છે.

આ ઘટના મહાનગરપાલિકાના આંતરિક વહીવટ પર પણ ગંભીર સવાલો ઊભા કરે છે. શું ઉચ્ચ અધિકારીઓને તેમના નીચેના કર્મચારીઓ દ્વારા થતા કાર્યોની જાણ નથી? અથવા શું આ બેદરકારી જાણી જોઈને કરવામાં આવી રહી છે? હાલમાં સુરત શહેરમાંથી રોજેરોજ આશરે 50 મેટ્રિક ટન જેટલો ગાર્ડન વેસ્ટ નીકળે છે, અને તેમાંથી મોટા ભાગના કચરાનો નિકાલ આ જ ગેરકાયદેસર રીતે કોમન પ્લોટમાં સળગાવીને કરવામાં આવે છે.

મેં 100 અરજી કરી હોવા છતા સમસ્યાનો ઉકેલ નથી આવ્યો- સ્થાનિક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી આ લોકો જે સુરત મહાનગરપાલિકામાં બાગ ખાતાના, આરોગ્ય ખાતું અને ગટર ખાતું ત્રણે ત્રણ છે ને અમારા ખેતર પાસે કોમન પ્લોટ છે એસ.એમ.સી.નો, બરાબર છે, એમાં એ લોકો આવીને ગંદકી કરી જાય છે ને અમે ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ કરતા જ નથી. બાગ ખાતાના આ લોકો આખા સુરતનો કચરો અહીંયા લાવે છે ને એનો નિકાલ નથી કરતા ને આગ લગાવે છે. એના લીધે 24 કલાક ધુમાડો જ ધુમાડો રહે છે.

વધુમાં જણાવ્યું હતું કે, ગંદકીમાં અમે બાજુમાં ખેતી કરીએ છીએ, બધા પાકોમાં નુકસાન થાય છે ને પ્લાસ્ટિક બધું ઉડીને અમારા ખેતરોમાં આવે છે. આજુબાજુમાં લોકો રહે છે. લોકોને બહુ તકલીફ પડે છે પણ એસ.એમ.સી.વાળા કંઈ કામ જ કરતા નથી. મેં ઓછામાં ઓછી 100 અરજી કરી છે. પાલિકા કહે કે અમારી પાસે મશીન આવે ત્યારે સાફ કરાવશું અને અમે પછી આર.ટી.આઈ. માંગીને જવાબ માંગ્યો ત્યારે એમ કહેવામાં આવે છે કે ભાઈ, અમે પાલિકાએ કમિશનર અમને કચરો નાખવા માટે જગ્યા ફાળવેલી છે.

એક યુવકે જણાવ્યું હતું કે,લોકો દ્વારા કરવામાં આવેલી અરજીઓમાં અલગ અલગ સમસ્યાઓ પણ લખવામાં આવે છે. જે પૈકી એક અરજીમાં લખ્યું છે કે, વારંવાર રજૂઆત કરવા છતા પણ કચરાનો નિકાલ થતો નથી. SMCને લીધે મારા લગ્નની વાતોમા તીરાડો પડે છે. છોકરીવાળા ખેતરોમાં જોવા આવે છે ને SMCની ગંદકીના લીધે ના પાડે છે. બીજી અરજીમાં લખ્યું છે કે, સુરત મહાનગરપાલિકાના કચરો રસ્તા પર હોવાથી ગંદકીના લીધે અમારા ખેતરોમાં નુકસાન થાય છે અને બાગ ખાતાનો કચરો ગંદકીના લીધે અમારા ખેતરોને પણ વધારે નુકસાન થાય છે.

ગાર્ડન વેસ્ટના વૈજ્ઞાનિક ઢબે નિકાલની વાત કાગળ પર રહી ગઈ સૌથી ગંભીર મુદ્દો એ છે કે હાલ SMC પાસે ગાર્ડન વેસ્ટના નિકાલ માટે કોઈ પણ પ્રકારની પૂરતી અને વૈજ્ઞાનિક વ્યવસ્થા ઉપલબ્ધ નથી. બે વર્ષ પહેલાં 2023માં તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી હતી કે SMC ગાર્ડન વેસ્ટમાંથી બાયો-કોલ અને બ્રિક્સ (ઈંટો) બનાવીને ઉદ્યોગોને તેનું વેચાણ કરશે. આ યોજનાથી ગાર્ડન વેસ્ટનો યોગ્ય નિકાલ થવાની અને આવક થવાની મોટી વાતો કરવામાં આવી હતી. જોકે, વર્ષ 2025 પૂરું થવા આવ્યું છે તેમ છતાં આ મોટી વાતોનો જમીની સ્તરે કોઈ અમલ થયો નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે કાં તો અધિકારીઓને વૈજ્ઞાનિક ઢબે ગાર્ડન વેસ્ટનો નિકાલ કરવામાં રસ નથી, અથવા તો માત્ર કાગળ પરની યોજનાઓ ઘડાઈ છે અને તેનું અમલીકરણ કરવામાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે.

સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા નિયમોની અવગણના કરીને ગાર્ડન વેસ્ટ સળગાવવામાં આવતો હોવાથી શહેરનું પ્રદૂષણ વધી રહ્યું છે અને નાગરિકોના આરોગ્ય જોખમાઈ રહ્યા છે. ઓનલાઈન અરજીઓ છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. હવે જોવું રહ્યું કે SMC ક્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરીને તેના બે વર્ષ જૂના વચનોનો અમલ કરે છે અને સુરતને સ્વસ્થ હવા આપે છે.


Related Posts

Load more