સોનામાં ₹2000 તો ચાંદીમાં ₹3500થી વધુનો કડાકો, જાણો ભાવ ઘટવાના મુખ્ય કારણો

By: Nation Gujarat Team
02 Sep, 2026

Gold and Silver Price Crash : વૈશ્વિક બજારમાં વ્યાજદરો, ડોલર અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ફેરફારોને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં વેચવાલીના ભારે દબાણ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલાતા રોકાણકારોમાં ધ્રાસકો પડ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ બંને કિંમતી ધાતુઓમાં 6% થી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે.

વાયદા બજારમાં ઓપનિંગ સાથે જ કડાકો
વાયદા બજારમાં (MCX) આજે સોના અને ચાંદીના ભાવ ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા:

સોનું (Gold October Future): સોનાનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) 151729.00 હતો. આજે સોનું 150033.00 ના ભાવ પર ઓપન થયું હતું અને ટ્રેડિંગ દરમિયાન 149665.00 ની નીચલી સપાટી સુધી પહોંચી ગયું હતું. દિવસ દરમિયાન સોનામાં ₹2,000 થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

ચાંદી (Silver December Future): ચાંદીનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) 235441.00 હતો. આજે ચાંદી 232536.00 ની નીચી સપાટી પર ઓપન થઈ હતી અને ઘટાડો વધીને 231914.00 ના લેવલ સુધી પહોંચ્યો હતો. ચાંદીના ભાવમાં ₹3,500 થી વધુનો કડાકો નોંધાયો હતો.

સોના-ચાંદીના ભાવ ઘટવાના મુખ્ય કારણો

  1. યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો: અમેરિકી ડોલર ઇન્ડેક્સ 99 ની ઉપર પહોંચી ગયો છે અને 10-વર્ષની યુએસ બોન્ડ યીલ્ડ 4.80% ને વટાવી ગઈ છે. સોનું અને ચાંદી નોન-યીલ્ડીંગ એસેટ હોવાથી, બોન્ડ યીલ્ડ વધતાં રોકાણકારો કિંમતી ધાતુઓમાંથી નાણાં ખેંચી રહ્યા છે.
  2. ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ફુગાવાની ચિંતા: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ (WTI Crude) $96 પ્રતિ બેરલને વટાવી ગયા છે. ક્રૂડ મોંઘું થવાથી વૈશ્વિક સ્તરે ફુગાવો (મોંઘવારી) વધવાની ભીતિ સર્જાઈ છે.
  3. વ્યાજદરમાં કપાત વિલંબિત થવાની આશંકા: સતત વધી રહેલા ફુગાવાના કારણે યુએસ ફેડરલ રિઝર્વ અને અન્ય મધ્યસ્થ બેંકો વ્યાજદરમાં ઝડપી ઘટાડો નહીં કરે તેવી શક્યતા પ્રબળ બની છે. લાંબા સમય સુધી વ્યાજદર ઊંચા રહેવાની ધારણાથી સોના-ચાંદી પર દબાણ વધ્યું છે.
  4. સેફ-હેવન માગ પર મજબૂત ડોલર ભારે પડ્યો: સામાન્ય રીતે ભૌગોલિક તણાવ સમયે સોનામાં સુરક્ષિત રોકાણ (Safe-Haven Demand) વધતું હોય છે, પરંતુ અત્યારે મજબૂત ડોલર અને બોન્ડ યીલ્ડનો પ્રભાવ એટલો વધારે છે કે સેફ-હેવન ખરીદી પણ ભાવને તૂટતા રોકી શકી નથી.

Related Posts

Load more