Surendranagar Road Accident: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-શંખેશ્વર હાઈવે પર વડગામ અને પાનવા ગામ વચ્ચે આજે (26મી સપ્ટેમ્બર) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ કિનારે ઉભેલા ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવતી કાર ઘૂસી જતાં 2 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે ટ્રક ક્લિનરે કરંટ લાગતા જીવ ગુમાવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.
ઈકોમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત
મળતી માહિતી અનુસાર, વડગામ અને પાનવા વચ્ચે રોડ પર ઉભેલા ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. બીજી તરફ, અકસ્માત સર્જાયા બાદ ગભરાઈ ગયેલો ટ્રકનો ક્લિનર બચવા માટે નજીકના ખેતર તરફ ભાગવા ગયો હતો. જોકે, ખેતરમાં પાકના રક્ષણ માટે લગાવેલા ઝાટકા મશીનના વાયરનો જોરદાર વીજ કરંટ લાગતાં ક્લિનરનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આમ, એક જ ઘટનામાં જુદા જુદા કારણોસર કુલ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
પોલીસ કાફલો અને 108 સ્થળ પર પહોંચ્યા
ઘટનાની જાણ થતાં જ દસાડા પોલીસની ટીમ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે દસાડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.