Valsad Heavy Rains: વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને તેને કારણે સર્જાયેલી પૂર જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમિકોની સુરક્ષા અને જાહેર હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા તંત્ર દ્વારા આજે (23 જુલાઈ) જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમોને સમગ્ર દિવસ દરમિયાન પોતાની કામગીરી બંધ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે.
શ્રમયોગીઓની સુરક્ષા પ્રથમ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કારખાના સંચાલકો અને કબજેદારોને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે કંપનીમાં હાજર તમામ શ્રમયોગીઓ અને કર્મચારીઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શકે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવી. માત્ર અત્યંત આવશ્યક અને તાકીદની સેવાઓ માટે જ ન્યૂનતમ (ઓછામાં ઓછા) સ્ટાફને ફરજ પર રાખવો, તે પણ સલામતીના તમામ કડક પગલાં સાથે.
કેમિકલ અને મશીનરીની સલામતી અંગે વિશેષ સૂચના
ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે તંત્ર દ્વારા સુરક્ષાના વધારાના પગલાં રૂપે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જોખમી કેમિકલ્સ, ભારે મશીનરી અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમને સંપૂર્ણપણે સુરક્ષિત સ્થિતિમાં રાખવા જણાવવામાં આવ્યું છે, જેથી પૂરના પાણીને કારણે કોઈ હોનારત ન સર્જાય. વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી તમામ અધિકૃત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ નિર્ણય શ્રમયોગીઓ તથા સામાન્ય નાગરિકોની સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમા રાખીને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં પૂરની સ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા તથા સુરક્ષિત સ્થળે રહેવા જણાવાયું છે.