વડોદરામાં ટ્રી હાઉસ સ્કૂલના ડાયરેક્ટરો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, CBSEએ શાળાની માન્યતા કરી રદ

By: nationgujarat
12 Mar, 2025

Vadodara Tree House High School News : વડોદરાના અટલાદરા વુડા કોલોની પાસે આવેલી ટ્રી હાઉસ હાઇસ્કૂલ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના એફિલિએશન અંતર્ગત નોંધાયેલી છે. શાળા સંચાલકોએ CBSEને વિશ્વાસમાં લીધા વિના શાળાની મિલકત વેચાણ કે, એગ્રીમેન્ટની પ્રક્રિયા કરી હતી. તાજેતરમાં ટ્રી હાઉસ સ્કૂલના ડાયરેક્ટરો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યારબાદ આજે હવે આ બાબત CBSEને ધ્યાને આવતા એફિલિએશન પરવાનગી રદ કરી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્કુલ એજ્યુકેશને અટલાદરા વિસ્તારની વુડા કોલોની પાસે આવેલી ટ્રી હાઉસ હાઈસ્કૂલના સંચાલકોને નોટિસ આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આપની શાળા અમારી સાથે એક એફિલિએશન અંતર્ગત જોડાયેલી છે. જેમાં શાળા સંચાલકોએ વિવિધ કાયદા અને પેટા કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે.

શાળાએ તારીખ 1 એપ્રિલ 2022થી તારીખ 31 માર્ચ 2017 સુધી એફિલિએશન નંબર 43,0259 અંતર્ગત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે કરાર કર્યા છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડને એવી બાબત ધ્યાનમાં આવી હતી કે, ટ્રી હાઉસ હાઈ સ્કુલ દ્વારા શાળાની મિલકત વેચવાનો કે તે સંબધિત એગ્રીમેન્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.રમેશભાઈ દેસાઈ અથવા ઝબ્બર રીયલ્ટી એલએલપી સાથે તેઓ કેટલાક વેચાણ દસ્તાવેજ કરતા હોવાનું સીબીએસસીને માલુમ પડ્યું હતું. જેથી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે શાળા સંચાલકોને આ મામલે નોટિસ ફટકારી હતી. શાળાની મિલકત વેચવાની પ્રક્રિયા કરી હોય તો તેમાં સરકારી વિભાગ સાથે થયેલા કરારનો ભંગ થઈ રહ્યો છે તેવો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે આ મામલે ટ્રી હાઉસ હાઈસ્કૂલના મેનેજમેન્ટને નોટિસ આપી હતી. અંતે સરકારી તંત્રએ એફિલિએશન પરવાનગી તાત્કાલિક અસરથી રદ કરી છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીને સત્ર 2024-25 માટે હાજર રહેવાની પરવાનગી આપી છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 11 માં છે તેઓને સત્ર 2025-26 માટે 31.03.2025 સુધીમાં પ્રાદેશિક કાર્યાલય, બેંગલુરુ દ્વારા નજીકની CBSE સંલગ્ન શાળામાં ખસેડવામાં આવશે. શાળા હવે પછીથી, 9 અને 11માં વિદ્યાર્થીઓને કોઈ નવો પ્રવેશ આપશે નહીં. શાળા/ટ્રસ્ટ જમીનની કાયદેસરની માલિકીમાં નથી.


Related Posts

Load more