વડોદરામાં અકસ્માત બાદ જોવા જેવી થઈ! દારૂની બોટલો માટે પડાપડી, લોકોએ રીતસરની લૂંટ મચાવી

By: nationgujarat
13 Mar, 2025

Vadodara Accident: ગુજરાતના વડોદરામાં બુધવારે (12 માર્ચ) નેશનલ હાઇવે પર L&T નોલેજ સિટી નજીક દારૂ ભરેલી કાર પલટી જતાં અજીબો-ગરીબ દ્રશ્ય સર્જાયું હતું. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂ ભરેલી કાર પલટી જવાથી અકસ્માત સર્જાયો હતો, ત્યારે લોકો ગાડીમાં સવાર લોકોને બચાવવાને બદલે દારૂ લૂંટવા માટે તૂટી પડ્યા હતાં. નોંધનીય છે કે, કારમાં બે લોકો સવાર હતાં જેમાંથી એક અકસ્માત બાદ ત્યાંથી ભાગી ગયો હતો અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.વડોદરા હાઇવે પર L&T નોલેજ સિટી નજીક બુધવારે (12 માર્ચ) કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. દારૂ ભરેલી કારમાં બુટલેગરો સવાર હતાં, ત્યારે એકાએક સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતના કારણે કારમાં હાજર દારૂની બોટલો તૂટી ગઈ હતી તેમજ ઘણી બોટલ રગડીને રસ્તા પર આવી ગઈ હતી. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં. જોકે, નવાઈની વાત તો એ હતી કે, આ લોકો ઈજાગ્રસ્તને બચાવવાની બદલે દારૂની બોટલો વીણવા લાગ્યા હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, તે પહેલાં કારમાં હાજર બેમાંથી એક બુટલેગર ફરાર થઈ ગયો હતો અને અન્ય એક બુટલેગર ઈજાગ્રસ્ત હોવાના કારણે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે હાથ ધરી તપાસ

સમગ્ર મામલે પોલીસે આ બુટલેગરો કોણ છે તે વિશે તપાસ હાધથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવેલી ફરિયાદ અનુસાર, કાર સુરતથી અમદાવાદ જઈ રહી હતી. વાઘોડિયા અને આજવા ચોકડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના બે બોક્સ હતાં, જેમાં કુલ 100 નંગ જે બ્રાન્ડ અંતર્ગત અંદાજિત કિંમત 17 હજાર ગણી શકાય છે. આ દારૂની બોટલ તૂટેલી હાલતમાં ત્યાં વેરવિખેર મળી આવી હતી. આ બનાવમાં પોલીસે કાર સહિત કુલ 3.17 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને આ મુદ્દે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Related Posts

Load more