Surat Lajpore Jail: સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ફરી એકવાર ગંભીર ભ્રષ્ટાચાર અને વહીવટી બેદરકારીના આક્ષેપો સાથે વિવાદોના કેન્દ્રમાં આવી છે. જેલની અંદર કેદીઓને અપાતી VIP સુવિધાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મામલે જેલ વિભાગે કડક વલણ અપનાવીને વધુ 2 જેલરોની તાત્કાલિક અસરથી બદલી કરવાનો હુકમ કર્યો છે. જેલ વિભાગની આ મોટી કાર્યવાહીને પગલે સમગ્ર જેલ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, લાજપોર સેન્ટ્રલ જેલના જેલર હર્ષદ કે. સોલંકીની કચ્છની ગળપાદર જિલ્લા જેલ ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે અન્ય એક જેલર નિલેશ એલ. છાપીયાની રાજપીપળા જિલ્લા જેલ ખાતે બદલી કરી દેવામાં આવી છે. અગાઉ અમદાવાદ અને વડોદરાની જેલમાંથી મળેલી ચોંકાવનારી ફરિયાદો બાદ રાજ્યના જેલ DGPના આદેશથી લાજપોર જેલમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
આકસ્મિક તપાસ દરમિયાન જેલની બેરેકમાંથી મોબાઈલ ફોન, ચાર્જર, બેટરી સહિતની પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી. આ ઉપરાંત જેલમાં પાન-મસાલા અને ગુટકાનો ખુલ્લેઆમ વપરાશ થતો હોવાનું તેમજ કેદીઓને VIP સુવિધાઓ પૂરી પાડવા માટે જેલ કર્મચારીઓ દ્વારા ઉઘરાણા અને લાંચ લેવામાં આવતી હોવાના અત્યંત ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કૌભાંડ મામલે 2 મહિના અગાઉ DGPના આદેશથી હાથ ધરાયેલી તપાસમાં જેલના 8 કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અગાઉ 1 જેલરની બદલી અને 4 જેટલા કેદીઓનું અન્ય જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. હવે વધુ 2 જેલરોની બદલી થતા વારંવાર વિવાદોમાં ઘેરાતી લાજપોર જેલની કામગીરી તેમજ ઉપરી અધિકારીઓની ભૂમિકા અને જવાબદારી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.