રામાયણ’નું બીજું ટ્રેલર રિલીઝ:પહેલાથી વધુ સારા દેખાયા VFX અને કોસ્ટ્યૂમ;

By: Nation Gujarat Team
16 Oct, 2026

રણબીર કપૂર અભિનિત ફિલ્મ ‘રામાયણ’નું બીજું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 2 મિનિટ 36 સેકન્ડના આ ટ્રેલરમાં પહેલા ટ્રેલરની સરખામણીએ VFX અને પાત્રોના કોસ્ચ્યુમમાં સુધારો કરવામાં આવ્યો છે.

ટ્રેલરમાં ભગવાન રામ (રણબીર કપૂર) અને રાવણ (યશ) વચ્ચેના ધર્મ અને અધર્મના યુદ્ધને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. ટ્રેલરની શરૂઆત એક વૉઇસઓવરથી થાય છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે અંધકારની ઊંડાઈમાંથી રાવણનો ઉદય થાય છે.

વિશ્વભરમાં 5 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મનું આંતરરાષ્ટ્રીય નામ ‘રામાયણ: ધ રાઇઝ ઑફ અ લેજન્ડ’ રાખવામાં આવ્યું છે.

સીતા સ્વયંવરથી લઈને જટાયુ અને દાનવી સેનાના યુદ્ધ દૃશ્યો

ટ્રેલરમાં માત્ર રામ અને રાવણના પાત્રોનો ટકરાવ જ નહીં, પરંતુ રામાયણના અનેક મહત્વપૂર્ણ પ્રસંગોની ઝલક પણ જોવા મળે છે. અભિનેત્રી સાઈ પલ્લવી માતા સીતાના રૂપમાં દીવા પ્રગટાવતી અને પ્રાર્થના કરતી જોવા મળે છે.

આ ઉપરાંત ભગવાન રામ દ્વારા શિવધનુષ ઉપાડવાની ક્ષણ, ભવ્ય મહેલો, રાક્ષસોની સેના અને આકાશમાં ઉડતા જટાયુના યુદ્ધ દૃશ્યોને VFXની મદદથી બતાવવામાં આવ્યા છે. ટ્રેલરના અંતમાં રાવણ પર કરવામાં આવેલા ભાલાના પ્રહારોને તે પોતાના હાથોથી ખેંચીને ફેંકતો જોવા મળે છે, જે તેની શક્તિ દર્શાવે છે.

લૉન્ચ પહેલાં નમિત મલ્હોત્રાની ભાવુક પોસ્ટ

ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ એક્સ (X) પર એક નોંધ શેર કરી, જેના પર તેમના સાથે દિગ્દર્શક નિતેશ તિવારી અને યશની પણ સહી છે. નમિતે લખ્યું કે જ્યારે તેમણે ‘રામાયણ’ બનાવવાની શરૂઆત કરી હતી, ત્યારે તેમનું સપનું ભારતની આ મહાન ગાથાને દુનિયાના દરેક ખૂણે પહોંચાડવાનું હતું. તેમણે કહ્યું કે સોની પિક્ચર્સના વૈશ્વિક અભિયાન દ્વારા દુનિયાભરના દર્શકો પહેલીવાર આ કથાને આટલા મોટા પાયે જોશે. તેમણે તેને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવતા લખ્યું- ‘આપણી સચ્ચાઈ, આપણો ઇતિહાસ, ભારતથી દુનિયા સુધી, જય શ્રી રામ’.

રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ સ્ક્રીનિંગની તૈયારી

મિડ-ડેના અહેવાલ મુજબ, નિર્માતાઓ નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાજકીય હસ્તીઓ અને દેશના ટોચના નેતાઓ માટે ‘રામાયણ’ના વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવાની મંજૂરી માંગી રહ્યા છે.

મંજૂરી મળે તો આ સ્ક્રીનિંગ 5 નવેમ્બરે ફિલ્મની વૈશ્વિક રિલીઝની આસપાસ યોજવામાં આવશે. રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી અને ફિલ્મના દિગ્દર્શક નિતેશ તિવારી તેમાં સામેલ થઈ શકે છે.

રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં, જ્યારે યશ રાવણનું પાત્ર ભજવી રહ્યા છે

ફિલ્મ ‘રામાયણ’માં બોલિવૂડ અને સાઉથ સિનેમાના મોટા કલાકારો એકસાથે જોવા મળશે. રણબીર કપૂર ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં છે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાનું પાત્ર ભજવી રહી છે. સાઉથ સુપરસ્ટાર યશ આ ફિલ્મમાં રાવણની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત સની દેઓલ હનુમાનની ભૂમિકામાં છે, જ્યારે રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં નજરે પડશે. ફિલ્મમાં અરુણ ગોવિલ, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય અને કુણાલ કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં સામેલ છે.

4000 કરોડના બજેટમાં બની રહેલી દેશની સૌથી મોંઘી ફિલ્મ

‘દંગલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવી ચૂકેલા દિગ્દર્શક નિતેશ તિવારી છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, બે ભાગમાં બનનારી આ ફિલ્મનું કુલ બજેટ લગભગ 4000 કરોડ રૂપિયા છે, જે તેને ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ બનાવે છે. ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX)ની જવાબદારી ઓસ્કર વિજેતા કંપની DNEG સંભાળી રહી છે. ફિલ્મના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score