રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન:64 જેસીબી, 90 ટ્રેક્ટર, પોલીસનો મોટો કાફલો તૈનાત

By: Nation Gujarat Team
23 Feb, 2026

રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર છે. આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-1ના અધિકારી, તકનિકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઓપરેશનમાં 64થી વધુ જીસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે.

સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધ લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1026 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકીટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

મેગા ડિમોલિશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલરૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મનપા કમિશનર તુષાર સુમેરા નીલકંઠ ટોકીઝ સામેના કંટ્રોલરૂમ ખાતેથી સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી શેઠ હાઇસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં 1130થી વધુ સ્ટાફ તૈનાત છે અને શહેરના તમામ આઈ.એ.એસ. તથા આઇ.પી.એસ. અધિકારીઓ આ કાર્યવાહી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. જુદી-જુદી 7 ટીમોની અધ્યક્ષતા ચારેય સિટી ઇજનેરોને સોંપવામાં આવી છે, જેમની આગેવાનીમાં બુલડોઝર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન માટે શેઠ હાઇસ્કૂલથી ટીમો રવાના થઈ છે. મોટી સંખ્યામાં પોલીસ અને મનપા કર્મચારીઓ સિટીબસો સહિતના વાહનો સાથે શેઠ હાઇસ્કૂલ ખાતેથી નીકળ્યા છે. કર્મચારીઓની સુવિધા માટે પાણી અને કેળાનો જથ્થો સાથે અપાયો છે.

Related Posts

Load more