વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલા સરકારી આવાસમાં પાડોશમાં રહેતા 22 વર્ષીય યુવકે 6 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા હતા. બાળકીના ગુપ્તાંગના ભાગે યુવકે સ્પર્શ કરતા બાળકીએ રડતા રડતા તેની માતાને સમગ્ર વાત જણાવી હતી. જેથી કપુરાઇ પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
દીકરીએ માતા સમક્ષ સમગ્ર હકીકત જણાવી 22 વર્ષીય યુવક સુનિલ રાઠવાએ ઉત્તરાયણના દિવસે 6 વર્ષીય બાળકી સાથે અશ્લીલ હરકતો કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસના પ્રાથમિક તપાસ અનુસાર, આ ઘટના ગઈકાલે બપોરના 12થી 2 વાગ્યાની વચ્ચે મકાનના ટેરેસ પર બની હતી. સગીરા દીકરીએ ઘટનાની આખી વાત પોતાની માતાને જણાવી દીધી હતી, જે બાદ માતાએ તાત્કાલિક કપુરાઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી સુનિલ રાઠવાની ધરપકડ કરી લીધી છે.
થોડી વારમાં દીકરી રડતી રડતી આવી પીડિત બાળકીની માતાએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વને લઈને ટેરેસ પર ગયા હતા, થોડી વારમાં દીકરી રડતી રડતી આવી છે. મેં પૂછ્યું, “બેટા, શું થયું?” ત્યારે તેણે મને કહ્યું કે બાજુના બ્લોકમાં રહેતા સુનીલભાઈએ તેના ગુપ્તાંગના ભાગે હાથ ફેરવ્યો હતો. સુનિલ અમારા બાજુના બ્લોકમાં જ રહે છે. ઉત્તરાયણ હોવાથી બધા જ લોકો ધાબા પર હતા. ત્યારે આ ઘટના બની હતી. અમે ઈચ્છીએ છીએ કે તે વ્યક્તિને કડકમાં કડક સજા મળે. પોલીસે અમને ખાતરી આપી છે કે તેને સજા કરવામાં આવશે.
આ એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના સામાજિક કાર્યકર મહિલાએ જણાવ્યું હતું કે, આ એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના છે. હજુ થોડા દિવસ પહેલા જ વડોદરામાં 15 વર્ષની દીકરી પર ગેંગરેપની ઘટના બની હતી, જેની શાહી હજી સુકાઈ નથી ત્યાં ઉત્તરાયણના તહેવારના દિવસે 6 વર્ષની માસૂમ બાળકી પર એક હવસખોરે નજર બગાડી છે. સરકાર અને પોલીસે આવી ઘટનામાં કડક કાર્યવાહી કરવી જોઈએ. દારૂ, ડ્રગ્સની પ્રવુતિ વડોદરામાં ધમધમી રહી છે, તેને બંધ કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે. દોષિતોને એવી સજા મળવી જોઈએ જે સમાજ માટે ઉદાહરણ બને.
ACP E ડિવિઝન જી ડી પલસાણાએ જણાવ્યું હતું કે, સરકારી આવાસમાં એક ઈસમે ફરિયાદીની સગીર વયની દીકરીની છેડતી કરી હતી. આ બાબતે BNS એક્ટ તથા POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં હાલ તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન અમે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે.