સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના ‘પશ્ચિમ એશિયામાં સૈન્ય વૃદ્ધિ : એશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં માનવ વિકાસ પર અસર’ મથાળાવાળા રિપોર્ટમાં કહેવાયું છે કે મધ્ય-પૂર્વમાં યુદ્ધ એશિયા તથા પ્રશાંત ક્ષેત્રમાં માનવ સંશાધનો પર દબાણ વધારી રહ્યું છે. ભારતમાં ઈંધણ, પરિવહન અને ક્રૂડ ઓઈલનો ખર્ચ વધવાથી લોકોની ઘરેલુ ખર્ચ શક્તિ ઘટી રહી છે. ખાદ્ય અસુરક્ષા વધી રહી છે, સરકારી બજેટ પર દબાણ પડી રહ્યું છે અને આજીવિકા માટેની આવક ઘટી રહી છે.
આ રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબીથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ 4 લાખથી વધીને 25 લાખ સુધી પહોંચવાનો અંદાજ છે. આ રિપોર્ટ મુજબ આ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતમાં ગરીબી દર 23.9 ટકાથી વધીને 24.2 ટકા સુધી પહોંચી શકે છે, જેનાથી લગભગ 24,64,698 લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે. આ સંકટ પછી દેશમાં ગરીબીમાં રહેનારા લોકોની સંખ્યા 35.15 કરોડથી વધીને 35.40 કરોડ સુધી પહોંચી શકે છે. માનવ વિકાસ સૂચકાંક પર પણ તેની વિપરિત અસર પડી શકે છે. ભારતમાં એચડીઆઈમાં 0.03 વર્ષથી 0.12 વર્ષ સુધીનો ઘટાડો આવી શકે છે.
આ અહેવાલ મુજબ ભારત તેની જરૂરિયાતનું 90 ટકાથી વધુ ઓઈલની જરૂરિયાત આયાતથી પૂરી કરે છે, જેમાંથી 40 ટકાથી વધુ ક્રૂડ ઓઈલ અને 90 ટકા એલપીજી પશ્ચિમ એશિયામાંથી આવે છે. આ સિવાય 45 ટકાથી વધુ ખાતરની આયાત પણ આ જ ક્ષેત્રમાંથી થાય છે અને દેશમાં યુરિયા ઉત્પાદન 85 ટકા આયાતી ગેસ પર નિર્ભર છે. ઊર્જાના ભાવમાં વધારાના કારણે ભારત સહિત અનેક દેશોએ કોલસા આધારિત વીજઉત્પાદન પર નિર્ભરતા વધારી દીધી છે. ખાતરની અછત અને ઈંધણના ભાવ વધવાથી ખાદ્ય સુરક્ષા અને ખરીફ મોસમ પર તેની અસર પડવાની આશંકા છે. વધુમાં યુદ્ધના કારણે ખાડી દેશોમાંથી આવતા રેમિટન્સમાં પણ ઘટાડો થયો છે.
ભારતનો ખાડી દેશો સાથે ગાઢ સંબંધ છે, જ્યાં ઓક્ટોબર 2024 સુધીમાં અંદાજે 93.7 લાખ ભારતીયો રહેતા હતા અને તેઓ દેશમાં આવતા કુલ રેમિટન્સનો 38-40 ટકા હિસ્સો મોકલતા હતા. મધ્ય-પૂર્વમાં ચાલતા આ યુદ્ધથી ભારતમાં રોજગાર અને એમએસએમઈ સેક્ટર પર પણ જોખમ છે. વિશેષરૂપે એમએસએમઈ સેક્ટરમાં હોટેલ, ફૂડ પ્રોસેસિંગ, કન્સ્ટ્રક્શન, સ્ટીલ અને જેમ્સ-ડાયમંડ જેવા ઉદ્યોગોમાં ખર્ચ વધવાથી, સપ્લાયમાં અછત અને ઓર્ડર રદ થવા જેવી સમસ્યાઓ સામે આવી શકે છે. આ સિવાય સ્વાસ્થ્ય ક્ષેત્ર પર પણ અસર પડી શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે તબીબી ઉપકરણોના કાચા માલનો ખર્ચ અંદાજે 50 ટકા સુધી વધી શકે છે જ્યારે દવાઓના જથ્થાબંધ ભાવમાં પહેલાથી જ 10થી 15 ટકાનો વધારો થઈ ગયો છે.