ભારે વિરોધ બાદ મેટાએ બંધ કર્યું વિવાદાસ્પદ ટૂલ, તમારી પરવાનગી વિના નહીં બને AI તસવીર

By: Nation Gujarat Team
11 Jul, 2026

Meta Removes Controversial AI Feature: સોશિયલ મીડિયા જાયન્ટ મેટા કંપનીએ યુઝર્સના ભારે આક્રોશ અને પ્રાઈવસી સંબંધિત ચિંતાઓને પગલે એક મોટો નિર્ણય લીધો છે. મેટા કંપનીએ ઇન્સ્ટાગ્રામ પરથી પોતાના તાજેતરમાં લોન્ચ કરેલા વિવાદાસ્પદ AI ઇમેજ-જનરેશન ટૂલ ‘મ્યૂઝ ઇમેજ’ ફીચરને સંપૂર્ણપણે હટાવી દીધું છે. પ્રાઈવસી લીક થવાના ડરથી યુઝર્સ દ્વારા વૈશ્વિક સ્તરે કરવામાં આવેલા ભારે વિરોધ બાદ કંપનીએ આ આકરો નિર્ણય લેવો પડ્યો છે.

શું હતો સમગ્ર વિવાદ?

તાજેતરમાં જ મેટા કંપની દ્વારા લાવવામાં આવેલા આ ફીચર હેઠળ કોઈ પણ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામના પબ્લિક એકાઉન્ટને ટેગ કરીને, તે યુઝરના પર્સનલ ફોટોઝનો ઉપયોગ કરીને પોતાની મરજી મુજબની AI ઇમેજ જનરેટ કરી શકતું હતું. આ ફીચર વોટ્સએપ, મેટા AI એપ અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. યુઝર્સની મંજૂરી વિના તેમના ફોટોઝનો AI માટે ઉપયોગ થવાના કારણે ઇન્ટરનેટ પર ભારે હોબાળો મચી ગયો હતો.

યુઝર્સે ડેટા સુરક્ષા પર ઉઠાવ્યા હતા સવાલો

આ ફીચર સામે આવ્યા બાદ લાખો યુઝર્સે મેટા કંપનીની આકરી ટીકા કરી હતી અને તેને ‘કંપનીની છૂપી ચાલ’ ગણાવી હતી. યુઝર્સ અને સાયબર નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી હતી કે આ ફીચરના કારણે પબ્લિક પ્રોફાઇલ ધરાવતા યુઝર્સના ફોટોઝનો ખોટો ઉપયોગ થઈ શકે છે અને તેનાથી અશ્લીલ કે આપત્તિજનક કન્ટેન્ટ પણ બનાવી શકાય છે. જોકે કંપનીએ શરૂઆતમાં માત્ર 18 વર્ષથી ઓછી ઉંમરના અને પ્રાઈવેટ એકાઉન્ટ્સને જ આમાંથી બાકાત રાખ્યા હતા, પરંતુ વિરોધ વધતા હવે આ ફીચર જ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.


Related Posts

Load more