‘ભારત નહોતું ઇચ્છતું કે PM મોદી પ્રેસ કોન્ફરન્સ કરે પણ ટ્રમ્પ ભૂલી ગયા અને પછી…’ અમેરિકન રાજદૂતનો દાવો

By: Nation Gujarat Team
24 Aug, 2026

Sergio Gor About PM Modi and Trump Meet : ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે (Sergio Gor) એક મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, ફ્રાન્સના એવિયાન-લેસ-બેન્સ (Evian-les-Bains) માં યોજાયેલી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક વખતે ભારત સંપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કે પ્રશ્નોત્તરી (Q&A Session) યોજવાના પક્ષમાં નહોતું.

‘ટ્રમ્પ શરુઆતમાં માન્યા, પણ પછી ભૂલી ગયા’

એક ફોરમમાં વાતચીત કરતી વખતે સર્જિયો ગોરે આ બેઠક અગાઉના પડદા પાછળના દ્રશ્યો યાદ કર્યા હતા. ગોરે જણાવ્યું કે, બેઠક પહેલા હું અને ટ્રમ્પ બેકસ્ટેજમાં એકલા હતા ત્યારે ભારતીય પક્ષની પ્રાથમિકતાઓ અંગે ચર્ચા થઈ હતી. ગોરના જણાવ્યા મુજબ, ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ સ્પષ્ટ કર્યું હતું કે મીડિયાને ફોટો-ઓપ (Photo-Op) માટે બોલાવવામાં આવે પરંતુ સંપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કે સવાલ-જવાબ ન થાય, કારણ કે ‘ભારતીય પક્ષને પ્રશ્નોત્તરી પસંદ નથી’.

ગોરે દાવો કર્યો કે ટ્રમ્પ શરૂઆતમાં આ શરત માટે તૈયાર થઈ ગયા હતા અને તેમણે કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો. પરંતુ જ્યારે બંને નેતાઓ કેમેરા અને મીડિયા સમક્ષ સામસામે બેઠા (જ્યાં આશરે 50 જેટલા કેમેરા હાજર હતા), ત્યારે વાતો પૂરી થયા પછી ટ્રમ્પે અચાનક પત્રકારો તરફ વળીને પૂછી લીધું – “કોઈ સવાલ?” (Any questions?)

એક સવાલે આખી મીટિંગનો રૂખ બદલી નાખ્યો

યુએસ રાજદૂતના જણાવ્યા અનુસાર, ટ્રમ્પના આ એક જ સવાલથી આખી સ્થિતિ બદલાઈ ગઈ હતી. ત્યારબાદ આ ચર્ચા આશરે 45 મિનિટ સુધી ચાલેલી એક લાંબી અને પૂર્ણ કદની પ્રેસ કોન્ફરન્સમાં ફેરવાઈ ગઈ હતી, જેમાં પત્રકારોએ અનેક વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર સવાલો પૂછ્યા હતા.

નોંધનીય છે કે, 17 જૂને ફ્રાન્સમાં યોજાયેલી આ હાઇ-પ્રોફાઇલ બેઠક અંગે અમેરિકી રાજદૂત સર્જિયો ગોરના આ દાવા સામે હજુ સુધી ભારત સરકાર કે વિદેશ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સ્પષ્ટતા આવી નથી.


Related Posts

Load more