ભાજપના મહિલા નેતાનું આવાસ કૌભાંડ! ઝૂંપડપટ્ટીના લોકોને આપતું આવાસ કરોડપતિ ડેપ્યુટી મેયરને ફાળવાતા સર્જાયો વિવાદ

By: Nation Gujarat Team
18 Sep, 2026

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકો માટે સાધુવાસવાણી રોડ પર આવેલ નટરાજનગરમાં રાજીવ ગાંધી આવસ યોજના બનાવી હતી. 2015માં આવાસ ફાળવવામાં આવ્યા હતા. જેમાં ગોપાલ ચોકમાં આવેલ સલ્મ વિસ્તારના લોકોને તેના મફતિયાના મકાનોનું ડીમોલેશન કરી આવાસ ફાળવવામાં આવ્યા હતા. જોકે તેમાં હાલના ડેપ્યુટી મેયર અને ભાજપના મહિલા નેતા દક્ષાબેન વસાણીને દુકાનના બદલે આવાસ ફાળવવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. દક્ષાબેન વસાણીને આવાસ યોજના બી ટાવરમાં 119 નંબરનો ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો.

દક્ષાબેન વસાણી આર્થિક રીતે સધ્ધર હોવા છતાં દુકાનને બદલે ગરીબોનું આવાસ લેતા વિવાદ સર્જાયો છે. ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીએ આ આવાસ ભાડે ચઢાવી દીધું હતું અને 9 મહિના પહેલા જ તેના જ અવસાન પાડોશી આલાભાઈ ભરવાડને 6 લાખમાં વેંચી દીધું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફ્લેટ લેનાર આલાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, ગોપાલ ચોકમાં 2015માં ડીમોલેશન કરવામાં આવ્યું હતું. તે સમયે મફતિયા પરામાં રહેતા તમામ લોકોને રાજીવ ગાંધી આવાસ યોજનામાં ફ્લેટ આપવામાં આવ્યા હતા. તે સમયે દક્ષાબેન વસાણીની દુકાનને બદલે તેને પણ ફ્લેટ આપવામાં આવ્યો હતો. જે 9 મહિના પહેલા જ 6 લાખ રૂપિયામાં ખરીદ કર્યો છે.

આ મામલે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીએ પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, ગોપાલ ચોકમાં અમે દુકાન ખરીદી હતી. જેનું લખાણ પણ મારી પાસે છે. કોર્પોરેશને 2015માં ડીમોલેશન માટે નોટિસ આપી હતી. જેમાં સૂચિતમાં દુકાન હોવાથી તેનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. તે સમયે તાત્કાલિક મ્યુ.કમિશ્નર તરીકે વિજય નેહરા હતા અને આવાસ યોજનામાં અલ્પના મિત્રા હતા. TPO તરીકે મનસુખ સાગઠિયા હતા. તે સમયે ડીમોલેશન કરી દુકાનના બદલે અસરગ્રસ્તોની સાથે આવાસ આપવામાં આવ્યું હતું.

જોકે મારે આવાસની જરૂરિયાત ન હોવાથી મેં રજૂઆત પણ કરી હતી તે સમયે જરૂર ન હોઈ તો વહેંચી નાંખજો તેવો અધિકારીઓએ જવાબ આપ્યો હતો. તેમ છતાં મેં આ આવાસ મારા દૂરના બહેનને રહેવા માટે આપ્યું હતું તે ત્યાં રહેતા હતા અને પછી તેને બદલાવી નાખ્યું હતું. જોકે પાડોશી આલાભાઈ ભરવાડને આવાસનો ફ્લેટ લેવો હોવાથી થોડા સમય પહેલા જ દસ્તાવેજ કરી 6 લાખમાં વેંચી નાખ્યું હતું. વેરા બિલમાં વેરો ભરવાનો બાકી હોવાથી ટ્રાન્સફર કર્યું ન હોવાથી મારું નામ હજુ બોલે છે.મેં કોઈ ફોર્મ ભરી આવાસ લીધું નથી કે મેં કોઈ ખોટું કર્યું નથી.

જોકે આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસના અધ્યક્ષ રાજદીપસિંહ જાડેજાએ ભાજપને આડે હાથ લેતા કહ્યું હતું કે, ભાજપની સરકાર અને ભાજપનું જ કોર્પોરેશનમાં રાજ છે. તેમ છતાં આવાસ યોજનામાં કૌભાંડો થાય છે. દક્ષાબેન વસાણી ડેપ્યુટી મેયર છે. તેને દુકાન ને બદલે દુકાન જ લેવાઈ ને…કેમ આવાસ લીધું તે સવાલ છે. જો આવાસ ન લેવું હોઈ તો રોકડું વળતર લઈ લેવાય. ચૂંટણી લડ્યા ત્યારે પણ તેને પોતાના સોગંદનામું રજૂ કર્યું હતું તેમા પણ તેને આવાસની વિગત છુપાવી હતી. તે સમયે આવાસ ડેપ્યુટી મેયરના નામનું જ હતું. મ્યુનિસિપલ કમિશ્નર અને મેયર બન્ને તપાસના નામે માત્ર નાટક જ કરે છે.

રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના હેઠળ 2015 થી 2024 સુધીમાં અનેક નેતાઓએ આવાસ લઈ લીધા હોવાનું ખુલ્યું છે. તપાસ પણ કરવામાં આવી હતી. આવાસ યોજનામાં અધિકારીઓ દ્વારા કૌભાંડ પણ કરવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું. જોકે જવાબદાર અધિકારીઓ નોકરી મૂકી ચુક્યા છે. તાજેતરમાં જ મેયર ડો. નેહલ શુકલને પણ આવાસ યોજનાના ડ્રોમાં કૌભાંડની આશંકા જતા 167 જેટલા આવાસનો ડ્રો રદ્દ કરી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. ખુદ ભાજપના જ મેયર ડો. નેહલ શુકલને પણ આવાસ યોજનામાં ચાલતા ભ્રષ્ટાચારની ગંધ આવી છે. ત્યારે દક્ષાબેન વસાણીને ફાળવવામાં આવેલ આવાસ કાયદેસર ફાળવણી થઈ છે કે પછી કોઈની ભલામણ થી આવાસ આપવામાં આવ્યું હતું તેની તપાસ કરવામાં આવે તો કૌભાંડના મૂળિયા સુધી પહોંચી શકાય ખરા..

Related Posts

Load more