ભાજપના 30 વર્ષના શાસનમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે, શિસ્તબદ્ધ પાર્ટીમાં અવાજ ઉઠ્યા છે. વિરોધમાં દેખાઈ રહેલા બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા છે. ત્યારે હવે પ્રદેશનુ નેતૃત્વ જલ્દી જ એક્શન લે તેવું દેખાઈ રહ્યું છે. ચર્ચા છે કે, લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે.
કોણ છે આ નેતાઓ
અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડીયા, બે ભૂતપૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજા અને જવાહર ચાવડા
નેતાઓને કરાઈ ફરિયાદ
પ્રદેશ નેૃત્વને ફરિયાદ કરાઈ છે કે, આ ત્રણેય નેતાઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ. જેથી અન્યોમાં દાખલો બેસે. જોકે, આ મામલે હાઈકમાન્ડ લોકસભાના પરિણામ સુધી રાહ જોશે તેવુ લાગી રહ્યું છે. હાઈકમાન્ડે ફરિયાદ કરનારાઓને એક્શન લેવાની ખાતરી આપી છે. તેથી લોકસભાની ચૂંટણી બાદ નવાજૂની થઈ શકે છે.
અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા હાઈકમાન્ડને ફરિયાદ કરી છે કે, નારણ કાછડીયાને પોતાને હરાવવા પ્રયાસો કર્યાં છે. આ ઉપરાંત નારણ કાછડીયાએ ઈફ્કોની ચૂંટમીમાં ભાજના સત્તાવાર ઉમેદવાર બિપીન ગોતાને હરાવવા દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાને મદદ કરી હતી. આ કારણે પહેલેથી ભાજપ તેમના પર ભડકેલું છે.
તો બીજી તરફ, જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમને હરાવવા ભાજપના જ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ ભરપૂર પ્રયાસો કર્યા હોવાની માડમે રજૂઆત કરી કરી છે. માડમ સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે હકુભાએ રૂપાલા વિવાદમાં આગ હોમવાનું કામ કર્યુ હતું. તેમજ હકુભાઈ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જેપી મારવિયા સાથે મળીને ક્ષત્રિય અને પાટીદારો પાસેથી ભાજપ વિરોધી મતદાન કરાવ્યું હોવાની પણ તેમની સામે ફરિયાદ કરાઈ છે. ચર્ચા એ પણ છે કે, આ જ કારણ છે કે હકુભા લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોમાં દેખાતા નથી.
તો બીજી તરફ, માણાવદરમાં જવાહર ચાવડાએ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવાનું કામ કર્યું હતું. જેની ફરિયાદ પણ લાડાણીએ હાઈકમાન્ડને કરી છે. ચાવડા પણ લાંબા સમયથી ભાજપના કાર્યક્રમથી દૂરી બનાવીને બેસ્યા છે.