ભટૂરા બનાવો ત્યારે કડક થઇ જાય છે? લોટ બાંધો ત્યારે આ વસ્તુ એડ કરી દો, રેસ્ટોરન્ટ જેવા સરસ સોફ્ટ અને ફૂલેલા બનશે

By: nationgujarat
25 Nov, 2025
How to knead Bhatura dough: આપણે જમવામાં મોટેભાગે સામાન્ય રીતે રોજ રોટલી, શાક, પરાઠા ખાતા હોઈએ છીએ. જે રોજ ખાઈને ઘણીવાર માણસ ક્યારેક બોર થઈ જાય છે. ત્યારે દરેકને મન થાય કે આજે કંઈક અલગ બનાવીએ અને ખાઈએ. સામાન્ય રીતે લોકો ઘરે કંઈક અલગ બનાવવા માટે પાવભાજી, પૂરી, ઢોસા-સાંભાર, ઈડલી, પૌઆ અને છોલે-ભટૂરા વધારે બનાવે છે. છોલે-ભટૂરાની વાત કરીએ તો ઘણા લોકોને એ એટલા ભાવે છે કે રોજ પણ ખાઈ શકે. જોકે, ભટૂરા બહુ ઓઈલી અને મેંદાથી બનેલા હોવાથી રોજ ખાવા આરોગ્ય માટે સારું નથી. મહિને 2-3 વાર ખાવા યોગ્ય છે.
જો કે, ઘરે ભટૂરા બનાવતી વખતે મોટાભાગના લોકોને એક જ સમસ્યા આવે છે કે તેમના ભટૂરા ફૂલતા નથી અને બજારમાં મળતા ભટૂરા જેટલા સોફ્ટ પણ નથી. તો એવું શું કરવું કે ભટૂરા ફૂલેલા અને સોફ્ટ બને? તેનું સિક્રેટ છે લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવું.
ભટૂરા માટે લોટ બાંધતી વખતે શું ઉમેરવું?

ઘણા લોકો મેંદામાં માત્ર મીઠું અને થોડું તેલ નાખીને પાણીથી ઝડપથી લોટ બાંધી લે છે અને પછી ભટૂરા તળી લે છે. આવું કરવાથી ભટૂરા યોગ્ય રીતે ફૂલતા નથી અને કઠણ બની જાય છે. માટે, મેંદામાં કેટલીક ખાસ વસ્તુઓ ઉમેરવી જરૂરી છે જેથી ભટૂરા સોફ્ટ અને ફૂલેલા બને.
એક વાસણમાં લગભગ અડધો કિલો મેંદો લો. તેમાં અડધો કપ સૂજી, 200 ગ્રામ દહીં, 2 મોટા ચમચી ઘી, 1 નાનો ચમચી મીઠું, 2 નાના ચમચી પીસેલી ખાંડ (ઈચ્છા મુજબ) અને બેકિંગ સોડા 1/4 નાનો ચમચી ઉમેરો. હવે બધું સારી રીતે મિક્સ કરો. લોટ ઠંડા પાણીથી નહીં, પણ ગરમ-હૂંફાળા પાણીથી બાંધો. થોડું-થોડું પાણી નાખીને સોફ્ટ લોટ તૈયાર કરો. લોટ પર થોડું ઘી લગાવી દો જેથી લોટ સુકાઈ ન જાય. હવે લોટને સાફ કોટનના પલાળેલા કપડાથી ઢાંકી, અડધો કલાક માટે રાખી દો.
હવે લોટને 2 મિનિટ માટે ફરીથી હાથથી મસળી લો. કડાઈમાં તેલ ગરમ કરો. લોટના નાના નાના લુવા બનાવીને વણી લો. લુવાને બહુ પાતળા કે બહુ જાડા ન વણશો, નહીં તો ભટૂરા ફૂલશે નહીં. જ્યારે વણેલા ભટૂરા તેલમાં નાખો ત્યારે સતત દબાવતા રહો અને ઉપરથી તેલ નાખતા રહો જેથી ભટૂરા સારી રીતે ફૂલે. બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. આ રીતે ફૂલેલા અને સોફ્ટ ભટૂરા તૈયાર થઈ જશે.

Related Posts

Load more