બોડેલીના નીલમ રાઠવાએ પ્રસુતિના માત્ર આઠ કલાક બાદ કોલેજની પરીક્ષા આપીને શિક્ષણ પ્રત્યેના પોતાના અદમ્ય જુસ્સાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ હિંમત અને પ્રતિબદ્ધતાને કારણે આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
છોટાઉદેપુરના અછાલા ગામમાં સાસરી ધરાવતી 23 વર્ષીય નીલમ રાઠવાના બે વર્ષ અગાઉ લગ્ન થયા હતા, પરંતુ તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. આજે તેમની બોડેલી ખાતે આવેલી ટી.સી. કાપડિયા કોલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એમ.એ. સેમેસ્ટર ચાર ગુજરાતી વિષયની પરીક્ષા હતી.
ગઈ રાત્રે આશરે બે વાગ્યાના અરસામાં તેમને પ્રસુતિ પીડા ઉપડતા બોડેલીની દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સવારના છ થી સાત વાગ્યાની વચ્ચે નીલમ રાઠવાએ એક સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો હતો.
જન્મના સાતથી આઠ કલાક બાદ, તેમણે પોતાની નવજાત દીકરીને સાસુ-સસરાને સોંપી અને પતિ સાથે પરીક્ષા આપવા કોલેજ પહોંચ્યા હતા.
દેવ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે નીલમબેનની નોર્મલ ડિલિવરી થઈ હતી. ડિલિવરીના થોડા સમય બાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેમણે પરીક્ષા આપવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તબીબે નીલમ રાઠવા અને નવજાત દીકરીનું સ્વાસ્થ્ય તપાસી તેમને પરીક્ષા આપવા જવાની મંજૂરી આપી હતી.
ટી.સી. કાપડિયા કોલેજના આચાર્યએ માહિતી આપી હતી કે નીલમબેનની તાજેતરમાં જ ડિલિવરી થઈ હોવાથી તેમને પરીક્ષા આપવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે અલગ વર્ગખંડમાં પોતાની પરીક્ષા આપી હતી.