ચીનના નોસ્ટ્રાડેમસ’ ગણાતા પ્રોફેસર ઝુએકિન ઝિયાંગે ત્રણ મુખ્ય ભવિષ્યવાણીઓ કરી હતી. પહેલી ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તામાં પરત ફરશે, બીજી તેઓ ઈરાન સાથે યુદ્ધની શરૂઆત કરશે અને ત્રીજી ભવિષ્યવાણી એ હતી કે, ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની હાર થશે. વર્તમાન સ્થિતિમાં તેમની પ્રથમ બે ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે, જેના કારણે હવે આખી દુનિયાની નજર ત્રીજી આગાહી પર ટકેલી છે. ત્યારે હાલમાં અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના અનેક ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. અહેવાલો અનુસાર, તેહરાનના મહત્વના સરકારી સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટના બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ વધુ ઘેરો બન્યો છે. ઈરાને પણ વળતો પ્રહાર કરવાની ચેતવણી આપી છે, જેના કારણે વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. પરિસ્થિતિ બગડતા ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે અને ઈઝરાયેલે પણ સાવચેતીના ભાગરૂપે વિમાની ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો છે.