પેટ્રોલ પંપ પર આ રીતે ચાલે છે ‘ખેલ’, 805માંથી 768 પંપોની મશીનોમાં જોવા મળી ગડબડ; જાણીને તમે પણ ચોંકી જશો

By: Nation Gujarat Team
19 Sep, 2026
Petrol Pump Cheating: પેટ્રોલ પંપ પર મશીનમાં 10 લિટર લખ્યું હોય અને ડિસ્પ્લે પર પણ 10 લિટર જ દેખાય, તો સામાન્ય રીતે બધા માની લે છે કે તેમને પૂરું 10 લિટર પેટ્રોલ કે ડીઝલ મળી ગયું. પણ કર્ણાટકમાં થયેલી તપાસે આ સિસ્ટમ પર સવાલ ઊભા કર્યા છે. વાત એવી છે કે કર્ણાટક સરકારે પેટ્રોલ પંપ પર તપાસ કરી અને જોયું કે પેટ્રોલ પંપવાળા ગ્રાહકો પાસેથી જેટલા પૈસા લે છે, તેટલું પેટ્રોલ આપે છે કે નહીં. પછી જે સત્ય સામે આવ્યું તે ચોંકાવનારું હતું. તપાસમાં જાણવા મળ્યું કે 805માંથી 768 પંપની મશીનોમાં ગડબડ હતી. એટલે ડિસ્પ્લે પર જેટલું પેટ્રોલ દેખાય છે, એટલું પેટ્રોલ વાહનની ટાંકીમાં આવતું નથી.
કેટલાક પંપમાં ગડબડ વધારે હતી. જે બાદ 101 જેટલા પેટ્રોલ પંપ પર કાર્યવાહી કરવામાં આવી અને તેમને કુલ 6.66 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. પેટ્રોલ પંપ પર સૌથી વધુ ગડબડ કેલિબ્રેશનમાં થાય છે. તેના કારણે ડિસ્પ્લે પર દેખાતી પેટ્રોલ/ડીઝલની માત્રા અને ખરેખર આપવામાં આવતા પેટ્રોલ/ડીઝલમાં ઘણો તફાવત હોઈ શકે છે. તો હવે સમજીએ કે કેલિબ્રેશન શું છે અને તેમાં ગડબડ કેવી રીતે થાય છે.
કેલિબ્રેશન શું હોય છે? – કેલિબ્રેશનનો સીધો મતલબ એ છે કે, મશીન જેટલું ઇંધણ ડિસ્પ્લે પર બતાવી રહ્યું છે, ખરેખરમાં નોઝલમાંથી એટલું જ ઇંધણ બહાર નીકળી રહ્યું છે કે નહીં. એટલે કે જો ડિસ્પ્લેમાં 10 લિટર પેટ્રોલ બતાવે તો મશીનમાંથી બરાબર 10 લિટર જ પેટ્રોલ નીકળવું જોઈએ. આ માપદંડ જાળવવા માટે સરકાર સમયાંતરે તંત્ર દ્વારા પ્રમાણિત માપદંડો (Standard Measures) વડે તપાસ કરતી હોય છે અને જોતી હોય છે કે પેટ્રોલ પંપની મશીનો સાચી છે કે નહીં.
અહીં આખી વાત સમજવી જરૂરી છે. દરેક નાનો તફાવત પોતે જ દંડ કે કેસનું કારણ નથી બનતો. કર્ણાટકમાં તાજેતરની કાર્યવાહી બાદ મંત્રીના જણાવ્યા મુજબ, નિયમો અનુસાર 10 લિટરના માપ પર 50 મિલીલિટર સુધીનો તફાવત મંજૂર મર્યાદા (Permissible Limit) માં ગણાય છે. આ મર્યાદા કરતાં વધુ તફાવત મળે તો કાર્યવાહી કરવામાં આવે છે. એટલે જો ડિસ્પ્લે પર 10 લિટર પેટ્રોલ દેખાય અને તપાસમાં આશરે 9.95 લિટર જેટલું પેટ્રોલ આવ્યું હોય, તો તે મંજૂર મર્યાદા (Permissible Limit)માં ગણાય છે. પણ તેનાથી વધારે ઘટ હોય તો મામલો ગંભીર બને છે.
ગડબડ કેવી રીતે થાય છે? – પેટ્રોલ પંપના મશીનમાં ‘ફ્લો મીટર’ અને ‘ડિસ્પેન્સિંગ મિકેનિઝમ’ મળીને જથ્થાનું માપન કરે છે. જો આ ડિસ્પેન્સિંગ યુનિટની ચોકસાઈ (એક્યુરેસી)માં ખામી સર્જાય અથવા ટેકનિકલ ગડબડ થાય, તો ડિસ્પ્લે પર દેખાતા આંકડા અને વાસ્તવિક જથ્થા (વાહનની ટાંકીમાં આવતા પેટ્રોલ/ડીઝલ) વચ્ચે તફાવત આવી જાય છે. કેટલીકવાર આ ખામી ટેકનિકલ કારણોસર પણ સર્જાતી હોય છે. એટલે માત્ર સ્ક્રીન પરના આંકડા જોઈને ગ્રાહક એ વાત પાકી કરી શકતો નથી કે ખરેખર પૂરું પેટ્રોલ/ડીઝલ મળ્યું છે કે નહીં. જોકે, એવું જરૂર નથી કે હંમેશાં પેટ્રોલ પંપ જાણીને જોઈને ગડબડ કરે અને જાણી જોઈને ઓછું પેટ્રોલ આપે છે. ઘણી વખત મશીનની અન્ય ખામીને કારણે પણ આ તફાવત આવી જાય છે. તેથી તેની વખતોવખત તપાસ થવી જરૂરી છે.
શંકા થાય તો શું કરવું? – જો તમને પેટ્રોલ કે ડીઝલના જથ્થા બાબતે શંકા જાય, તો તમે પંપ પર રહેલા 5 લીટર કે 10 લીટરના પ્રમાણિત કેન/માપિયા (Standard Measuring Can) વડે સ્થળ પર જ તપાસ કરાવવાની માંગણી કરી શકો છો. તેથી આગલી વખતે માત્ર મીટર પર દેખાતી રકમ અને લિટર જોઈને સંતોષ ન માનો. એ પણ ધ્યાન રાખો કે પેટ્રોલ પંપની મશીનનું કેલિબ્રેશન માન્ય છે કે નહીં. સરકાર વખતોવખત આ તપાસ કરે છે, પણ તેનો સમયગાળો લાંબો હોય છે. તેથી આ તપાસ વધુ ટૂંકા અંતરે થવી જોઈએ.

Related Posts

Load more