Prithvi Shaw and Akriti Agarwal : ભારતીય ક્રિકેટર પૃથ્વી શોના અંગત જીવનમાં મુશ્કેલ સમય આવ્યો છે. તેની મંગેતર આકૃતિ અગ્રવાલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી છે કે બંને અલગ થઈ ગયા છે. તેમની વચ્ચે મતભેદ હોવાની અફવાઓ ઘણા દિવસોથી ચાલી રહી હતી, પરંતુ હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલ વચ્ચેનો સંબંધ પૂરો થઈ ગયો છે. આકૃતિએ એક ભાવુક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ સમાચાર શેર કર્યા અને જણાવ્યું કે આ નિર્ણય પરસ્પર સંમતિથી લેવામાં આવ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા આકૃતિએ લખ્યું છે કે, ભારે હૃદય સાથે, હું જણાવવા માંગુ છું કે મારા મંગેતર અને મેં ભવિષ્યના લક્ષ્યો અને સંજોગોમાં રહેલા તફાવતને કારણે અલગ થવાનો નિર્ણય કર્યો છે. ભલે અમે એકબીજા માટે ગમે તેટલો પ્રેમ અને સ્નેહ ધરાવતા હોઈએ, અમે સ્વીકાર્યું છે કે અમારા રસ્તાઓ એક થઈ શકે તેમ નથી.
માત્ર છ મહિનામાં અલગ થયા
લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી ક્રિકેટર પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલે આ વર્ષે 8 માર્ચે સગાઈ કરી હતી. તેઓ ખૂબ ખુશ હતા અને તેમણે તેમના ચાહકો સાથે સુંદર તસવીરો પણ શેર કરી હતી. ચાહકો પૃથ્વી શોના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સગાઈથી લગ્ન સુધીની સફર પૂરી થઈ શકી નહીં. 17 સપ્ટેમ્બરે આ જોડીએ સંબંધનો અંત લાવવાનો નિર્ણય કર્યો.
સંબંધ કેમ તૂટ્યો ?
આકૃતિ અગ્રવાલે ક્રિકેટર પૃથ્વી શો સાથેનો સંબંધ તોડવા પાછળનું કારણ પણ જણાવ્યું છે. પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, ભલે આપણે એકબીજા માટે ગમે તેટલો પ્રેમ અને સ્નેહ ધરાવતા હોઈએ, અમે એ સ્વીકાર્યું છે કે અમારા રસ્તાઓ એક થઈ શકે તેમ નથી. અમારી જવાબદારીઓ અને વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. હું નિષ્ઠાપૂર્વક ઈચ્છું છું કે આપણે બંને આગળ વધીએ ત્યારે શ્રેષ્ઠતા, શાંતિ અને ખુશી પ્રાપ્ત કરીએ.
આકૃતિ અગ્રવાલે વધુમાં લખ્યું છે કે, હું દરેકને નમ્ર વિનંતી કરું છું કે આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાઈવસીનું સન્માન કરે અને અમારા નિર્ણય પાછળના કારણો વિશે અટકળો કે ધારણાઓ બાંધવાનું ટાળે. કૃપા કરીને અમારી પ્રાઈવસીને સમજો અને તેનું સન્માન કરો.
પૃથ્વી શોની કારકિર્દી
પૃથ્વી શોની ક્રિકેટ સફર તેના અંગત જીવન જેવી જ રહી છે. શરૂઆતમાં નોંધપાત્ર સફળતા મેળવ્યા પછી તે જલ્દી જ લય ગુમાવી બેઠો. તેણે તેની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં શાનદાર 134 રન બનાવીને સનસનાટી મચાવી દીધી હતી. તેની સરખામણી સચિન તેંડુલકર અને બ્રાયન લારા જેવા દિગ્ગજો સાથે કરવામાં આવતી હતી. જોકે, સફળતાની સીડી પર માત્ર થોડાક જ પગથિયાં ચઢ્યા પછી તેણે પોતાનું ધ્યાન ગુમાવ્યું અને પરિણામે તે ટીમમાંથી બહાર થઈ ગયો.
હાલની સ્થિતિ એવી છે કે, ભલે તે IPLમાં દિલ્હી કેપિટલ્સની ટીમનો હિસ્સો છે, પરંતુ તેને પ્લેઇંગ XIમાં સ્થાન મળતું નથી. સ્થાનિક ક્રિકેટમાં પણ તેના પ્રદર્શનને કારણે નેશનલ ટીમમાં વાપસીનો માર્ગ ખૂલી શક્યો નથી. પૃથ્વી શોએ ભારત માટે 5 ટેસ્ટ, 6 વન-ડે (ODI) અને એક T20 મેચ રમ્યો છે. તેણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2021માં રમી હતી.