દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 78 તાલુકામાં વરસાદી માહોલ, વલસાડમાં સૌથી વધુ વરસાદ

By: Nation Gujarat Team
22 Jul, 2026

Gujarat Rain Updates : ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આગામી સાત દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સૌની વચ્ચે હવામાન વિભાગની નાઉકાસ્ટ હેઠળ પણ વલસાડ સહિત પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. માત્ર 4 કલાકના ગાળામાં 78 તાલુકામાં મેઘમહેર નોંધાઈ હતી જેમાં સૌથી વધુ વલસાડમાં 3.82 અને સુરતના પલસાણા તાલુકામાં 3.70 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ક્યાં ક્યાં રેડ એલર્ટ

સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આગામી ત્રણ કલાક એટલે કે દસ વાગ્યાથી એક વાગ્યા માટે અતિ ભારે વરસાદની આગાહી કરતું રેડ એલર્ટ નાઉ કાસ્ટ હેઠળ હવામાન વિભાગે જાહેર કર્યું છે.

બીજી બાજુ 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ ભરુચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ તથા બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે તબાહી
વલસાડ જિલ્લો વરસાદનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. કપરાડા તાલુકામાં સૌથી વધુ 15.63 ઈંચ (397 મિમી) વરસાદ ઝીંકાતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય વલસાડના નાનાપોંઢામાં 11.02 ઈંચ, પારડીમાં 9.37 ઈંચ, વલસાડ શહેરમાં 8.31 ઈંચ અને વાપીમાં 7.28 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદે વિરામ લીધો નથી. ચીખલીમાં 9.61 ઈંચ, વાંસદામાં 9.25 ઈંચ, ખેરગામમાં 7.91 ઈંચ અને ગણદેવીમાં 4.72 ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગના વાઘઈમાં 7.20 ઈંચ અને આહવા-ડાંગમાં 5.04 ઈંચ વરસાદ વરસ્યો છે.

સુરત અને અન્ય જિલ્લાઓની સ્થિતિ
સુરત જિલ્લાના બારડોલીમાં 5.39 ઈંચ, પલસાણામાં 4.69 ઈંચ અને સુરત શહેરમાં 4.25 ઈંચ વરસાદ નોંધાયો છે. તાપીના ડોલવણમાં 3.90 ઈંચ અને ઉકાઈમાં 3.03 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ભરૂચ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને મોરબી સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે. દક્ષિણ ગુજરાતમાં નદી-નાળા છલકાઈ જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહનવ્યવહાર ખોરવાવાની સમસ્યાઓ સર્જાઈ છે.

વલસાડમાં મેઘતાંડવ
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મંગળવારે સાંજે 4 થી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના વિતેલા 16 કલાકમાં જિલ્લામાં સરેરાશ 8.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આખી રાત વરસાદ શરૂ રહેતા સવાર સુધીમાં આ આંકડો સરેરાશ 15.63 ઇંચ સુધી પહોંચી ગયો હતો. દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ 15.63 ઈંચ વરસાદ ઝીંકાતાં જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા કોઝવે સહિત 150 થી વધુ માર્ગો બંધ થઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. વલસાડના જ નાનાપોંધામાં 11 ઈંચ, પારડીમાં 9.37 ઈંચ અને વલસાડ શહેરમાં 8.31 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે વલસાડના જ વાપીમાં 7.28 ઈંચ મેઘમહેર નોંધાઈ હતી.


Related Posts

Load more