ત્રીજા વિશ્વ યુદ્ધનો ઘૂઘવાટ : રશિયાની ધમકીથી યુએસ ગભરાયું : કીવ સ્થિત દૂતાવાસ બંધ કર્યો

By: nationgujarat
21 Nov, 2024

નવી દિલ્હી : રશિયા-યુક્રેન યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચી રહ્યું છે. તેવે સમયે અમેરિકાએ કીવ સ્થિત પોતાનો દૂતાવાસ બંધ કરી દીધો છે અને કર્મચારીઓને સુરક્ષિત સ્થાનોએ પહોંચી જવા કહી દીધું છે. તેટલું જ નહીં પરંતુ અમેરિકી દૂતાવાસના અધિકારીઓએ નિકટવર્તી મિત્ર દેશોના રાજદૂતોને પણ તેઓના દૂતાવાસો બંધ કરી પોત પોતાના અધિકારીઓ અને કર્મચારીઓને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવા જણાવી દીધું છે.

યુક્રેન રશિયાનો જબરજસ્ત સામનો કરી રહ્યું છે. પરંતુ રશિયાના એક ધાર્યા હવાઈ અને મિસાઇલ હુમલાથી પરિસ્થિતિ બેહદ ખરાબ થઈ છે.

અમેરિકાએ યુક્રેનમાં રહેતા અન્ય અમેરિકી નાગરિકોને પણ ચેતાવી દીધા છે અને ખોરાક પાણીની તથા અન્ય અનિવાર્ય ઉપયોગી ચીજોનો સંગ્રહ કરવા જણાવી દીધું છે. તેણે દૂતાવાસના વરિષ્ટ અધિકારીઓને યુક્રેનની બહાર રહી અનિવાર્ય ફરજ હોય તો તે બજાવવા કહી દીધું છે.

ઉલ્લેખનીય છે કે યુક્રેને તાજેતરમાં જ અમેરિકાએ આપેલા એટીએસીએમએસ મિસાઇલોથી રશિયા ઉપર હુમલો કર્યો હતો. આવા છ મિસાઈલો પૈકી પાંચનો રશિયાએ નાશ કર્યો. ૧ રશિયાના ક્રેમ્બીન પાસે પડયું. તેણે વેરેલા વિનાશથી રશિયા ધૂંધવાયું છે. આ મિસાઇલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પડયું. આ પછી રશિયાએ પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. તેણે કહ્યું છે કે, આનો કઠોર જવાબ અપાશે. રશિયાના પૂર્વ પ્રમુખ દીમીત્રી મેદવેદૈવે તો ત્રીજા વિશ્વ યુદ્ધના પ્રારંભની ધમકી આપી દીધી છે.

આ પૂર્વે અમેરિકાની સરકારે યુક્રેનમાં વધતી હિંસા અને વધતા હવાઈ હુમલાને અનુલક્ષીને ઘણી વાર પોતાના નાગરિકોને ચેતવણી આપવા સાથે અન્ય દેશોને પણ પોતાના નાગિરકોને જલ્દીમાં જલ્દી યુક્રેનમાંથી બહાર કાઢવા કહી દીધું છે.

પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, ૨૦૨૪માં તો આ યુદ્ધમાં કોઈ સમાધાન મળવાની આશા નથી. તંગદિલી વધતી જ જાય છે. યુક્રેન જબરજસ્ત સામનો કરે છે પરંતુ રશિયનાં પ્રચંડ હવાઈ આક્રમણ અને મિસાઇલ હુમલાએ સ્થિતિ ઘણી જટિલ બનાવી છે.


Related Posts

Load more