ટ્રમ્પ વધુ આક્રમક બન્યા, કહ્યું- ‘ઈરાને ચેતવણી ન માની, જરૂર પડશે તો સેના પણ ઉતારીશું’

By: Nation Gujarat Team
03 Mar, 2026

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલા સૈન્ય અભિયાનને લઈને અત્યંત આક્રમક વલણ અખત્યાર કર્યું છે. ન્યૂઝ ચેનલ સીએનએનને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે ચેતવણી આપી છે કે, ‘ઈરાનમાં હજી મોટી લહેર આવવી બાકી છે.’ ટ્રમ્પના આ નિવેદન વચ્ચે જ ઈરાનના ઇસ્ફહાન સ્થિત ન્યુક્લિયર સાઈટ પર નવા પ્રચંડ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ મળ્યા છે. ટ્રમ્પ ઈરાનની પરમાણુ ક્ષમતાને સંપૂર્ણપણે તોડી પાડવા માંગે છે.

…તો ચારથી પાંચ સપ્તાહ હુમલા ચાલુ રાખીશું : ટ્રમ્પ

ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે, જરૂર પડશે તો અમેરિકી સેના આગામી ચારથી પાંચ સપ્તાહ સુધી હુમલા ચાલુ રાખશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ઈઝરાયેલ અને અમેરિકા માટે આ લડાઈની તીવ્રતા જાળવી રાખવી મુશ્કેલ નથી. સત્તા પરિવર્તન અંગે વાત કરતા તેમણે આશા વ્યક્ત કરી હતી કે, રિવોલ્યુશનરી ગાર્ડના અધિકારીઓ સહિતના ઈરાની સૈન્ય દળો જનતા સમક્ષ હથિયાર હેઠા મૂકી દેશે. તેમણે કહ્યું કે, ‘જો તમે આ વિશે વિચારો તો, તેઓ ખરેખર જનતા સામે આત્મસમર્પણ કરી દેશે.’

મારી પાસે ત્રણ ખૂબ જ સારા વિકલ્પો’

ઈરાનના નવા નેતૃત્વ અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે રહસ્ય જાળવી રાખ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘મારી પાસે ત્રણ ખૂબ જ સારા વિકલ્પો છે. હું અત્યારે તેનો ખુલાસો નહીં કરું. પહેલા કામ પૂરું કરી લઈએ.’ ટ્રમ્પે વેનેઝુએલાના મોડેલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘મને લાગે છે કે અમે વેનેઝુએલામાં જે કર્યું, તે એક આદર્શ અને એકદમ યોગ્ય પરિસ્થિતિ હતી.’ તેમણે ઈરાની જનતાને આહવાન કરતા ઉમેર્યું કે, ‘આ તેમના પર નિર્ભર રહેશે કે તેઓ વર્તમાન સરકારને ઉખેડી ફેંકે છે કે નહીં. તેઓ વર્ષોથી આ વિશે વાત કરી રહ્યા છે, તેથી હવે તેમને તક મળશે.’

તો ઈરાનની જમીન પર સેના ઉતારીશું : ટ્રમ્પ

બીજીતરફ ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘અમે ઈરાન પર હુમલાઓ વધુ તેજ કરીશું. ઈરાને અમારી ચેતવણી માની નથી, હવે જરૂર પડશે તો સેના પણ ઉતારીશું. ઈરાન પાસે અમેરિકા સુધી હુમલો કરી શકે તેવી મિસાઈલો છે.’

નોંધનીય છે કે ટ્રમ્પ આ સૈન્ય કાર્યવાહીની માહિતી સત્તાવાર પ્લેટફોર્મ કરતા સોશિયલ મીડિયા પર વધુ આપી રહ્યા છે. અયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર પણ તેમણે જાહેર મંચને બદલે માર-એ-લાગોમાં એક ડિનર પાર્ટી દરમિયાન આપ્યા હતા.


Related Posts

Load more