ગુજરાતમા ભાજપ સરકાર 161 ના બંપર પાવર વાળી બની : નવા મંત્રી માટે શરૂ થઈ આ નામોની ચર્ચા

By: nationgujarat
08 Jun, 2024

દેશમાં યોજાયેલી લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના તમામ ઉમેદવાર વિજેતા થયા. 156ના પાવર વાળી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 161ના બંપર પાવરવાળી થઈ ગઈ છે. તો આ બધાની વચ્ચે સૌથી મોટી ચર્ચાનું કેન્દ્ર ગુજરાતનું મંત્રીમંડળ રહેવાનું છે, કારણ કે કોંગ્રેસમાંથી આવેલા આ પાંચેય નેતાઓ કમિટમેન્ટ સાથે આવ્યા હશે, ત્યારે ગુજરાત મંત્રીમંડળમાં કયા કોંગ્રેસીને મળશે સ્થાન?, કોની મંત્રીમંડળમાંથી થશે બાદબાકી?, જુઓ આ અહેવાલમાં.

(આ સમાચાર નો સંપુર્ણ લેખ ડેલી હન્ટમા ન વાંચી શકો તો nationgujarat.com પરથી વાંચવા વિનંતી)

હવે 156 નહીં પણ 161 સીટ ભાજપ પાસે
સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે, આ ચૂંટણીમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી, જેમાં ગુજરાતમાં 5 બેઠક પર કોંગ્રેસમાંથી આવેલા પક્ષપલટુઓ મેદાનમાં હતા. આ તમામ પક્ષપલટુઓએ ભાજપની ટિકિટ પર જોરદાર જીત મેળવી. આ જીત સાથે જ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 156 નહીં પણ 161ના પાવરવાળી સરકાર બની ગઈ છે. ગુજરાતના ઈતિહાસમાં આટલી બેઠકો કોઈ પાર્ટીને મળી નથી.
મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે
સૌથી પહેલા તો જે પાંચ બેઠક પર ભાજપની જીત થઈ છે તેમાં પોરબંદરથી મોઢવાડિયાની 1,16,808 મતથી, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા 82,108 મતથી, વીજાપુરથી સી.જે.ચાવડાની 56,228 મતથી, માણાવદરથી અરવિંદ લાડાણીની 31 હજાર 16 મતથી અને ખંભાતથી ચિરાગ પટેલની 8,328 મતથી વિજય થયો છે. આ પાંચમાંથી 4 કોંગ્રેસમાંથી આવ્યા હતા, જ્યારે વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા 2022માં અપક્ષ ચૂંટાયા હતા. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ પાંચમાંથી કોનો કોનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે?, કારણ કે આ તમામ લોકો જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે કોઈને કોઈ કમિટમેન્ટ સાથે જ આવ્યા હશે. સુત્રો પાસેથી જે માહિતી મળી તે મુજબ અર્જૂન મોઢવાડિયા અને સી.જે.ચાવડાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે?
 તો મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી આયાતી નેતાનો દબદબો વધશે
જો મંત્રીમંડળમાં મોઢવાડિયા અને ચાવડાનો સમાવેશ કરવામાં આવશે તો મંત્રીમંડળમાં વધુ કોંગ્રેસી નેતાઓનો દબદબો થશે. કારણ કે હાલ વર્તમાન મંત્રીમંડળમાં કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ અને બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી છે. જ્યારે કુંવરજી હળપતિ રાજ્યકક્ષાના મંત્રી છે. મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તેની કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. પરંતુ વિસ્તરણમાં એવી સંભાવનાઓ છે કે ઉત્તર ગુજરાતમાં OBC સમાજમાંથી વધુ પ્રતિનિધિત્વ મળી શકે છે. તો હાલ જે મંત્રીમંડળ છે તેમાં 17 મંત્રી છે, કાયદાની મર્યાદા મુજબ 27 મંત્રી રાખી શકાય છે. અનુચ્છેદ 164 મુજબ વિધાનસભાના સભ્યોના 15 ટકાની મર્યાદામાં મંત્રીપરિષદની રચના કરી શકાય છે. ગુજરાતમાં 182 સભ્યોના 15 ટકા લેખે 27.3 એટલે કે 27 સભ્યોનું મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ બની શકે છે.

કયા કોંગ્રેસી હાલ મંત્રી?

  • કુંવરજી બાવળિયા
  • રાઘવજી પટેલ
  • બળવંતસિંહ રાજપૂત
  • કુંવરજી હળપતિ

કેટલા બનાવી શકાય મંત્રી?

  • હાલ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં 17 મંત્રી
  • કાયદાની મર્યાદા મુજબ 27 મંત્રી રાખી શકાય
  • અનુચ્છેદ-164 મુજબ કુલ સભ્યોના 15 ટકા મંત્રી બની શકે
  • ગુજરાતમાં 182 સભ્યોના 15 ટકા લેખે 27.3 થાય
  • 27 સભ્યોનું મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ બની શકે છે

મંત્રીમંડળમાંથી કોની બાદબાદી થશે
ગુજરાતમાં હાલ જે મંત્રીઓ છે તેમાંથી કેટલાકની બાદબાકી થાય તે નિશ્ચિત છે. જેનું કામ નબળું જોવા મળ્યું તેમની બાદબાકી કરી કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. લોકસભા ચૂંટણીના પરિણામમાં ભાજપે 26માંથી 25 બેઠક જીતી છે, જો કે બનાસકાંઠા બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભાજપના આ નબળા પ્રદર્શનને જોતા ઉત્તર ગુજરાતને વધુ પ્રતિનિધિત્વ મળે તે નક્કી છે. સાથે જ કોની બાદબાકી અને કયા નવા ચહેરાને સ્થાન મળે છે તે પણ જોવાનું રહેશે.


Related Posts

Load more