ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?

By: Nation Gujarat Team
29 Aug, 2026

Gujarat Police Recruitment 2026: ગુજરાતમાં સરકારી પોલીસ સેવામાં કારકિર્દી બનાવવાનું સપનું સેવતા યુવાનો માટે આશાસ્પદ અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લોકરક્ષક કેડરની 3000 જેટલી નવી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ ભરતી ખાસ કરીને ધોરણ 12 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક પૂરી પાડશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નિયમબદ્ધ રીતે સંચાલિત કરવામાં આવશે.

કઈ કેડરમાં કેટલી જગ્યાઓ પર થશે ભરતી?

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આ 3000 સંભવિત જગ્યાઓનું વિવિધ કેડરમાં સમતુલીત વિભાજન કરવામાં આવ્યું છે:

SRPF: 1000 જગ્યાઓ

UPC (અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ): 1000 જગ્યાઓ

APC (આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ): 1000 જગ્યાઓ

આમ, કુલ મળીને 3000 નવી જગ્યાઓ ઉપર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

જાહેરાતથી લઈને લેખિત પરીક્ષા સુધીનું સંભવિત ટાઇમટેબલ

ભરતી પ્રક્રિયાને સુચારુ રીતે પૂરી કરવા માટેનું સંભવિત ટાઇમટેબલ પણ સામે આવ્યું છે:

સત્તાવાર જાહેરાત: આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026 દરમિયાન બહાર પાડવામાં આવી શકે છે.

શારીરિક કસોટી: ભરતી જાહેરાત બાદ અરજી પ્રક્રિયા પૂર્ણ થતાં, ડિસેમ્બર 2026થી જાન્યુઆરી 2027 દરમિયાન શારીરિક કસોટીનું આયોજન થઈ શકે છે.

લેખિત પરીક્ષા: જે ઉમેદવારો શારીરિક કસોટી સફળતાપૂર્વક ઉત્તીર્ણ કરશે, તેમની લેખિત પરીક્ષા માર્ચ-એપ્રિલ 2027 દરમિયાન લેવામાં આવે તેવી શક્યતા છે.

ઉમેદવારોએ અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવી જરૂરી

આ 3000 સંભવિત જગ્યાઓની ભરતીના સમાચારથી પોલીસ દળમાં જોડાવા માંગતા હજારો યુવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શારીરિક અને લેખિત બંને પરીક્ષાઓના મહત્વને ધ્યાનમાં રાખીને ઉમેદવારો માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી હિતાવહ રહેશે. જોકે, અરજીની સત્તાવાર તારીખો, વયમર્યાદા, ચોક્કસ શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયમો અંગેની આખરી સ્પષ્ટતા સત્તાવાર જાહેરાત બહાર પડ્યા બાદ જ થશે, તેથી ઉમેદવારોએ સત્તાવાર વિગતોની ખાતરી કરી લેવી.


Related Posts

Load more