Ration Card E KYC News : રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી રેશનકાર્ડ ધારકો E-KYC માટે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લાં બે સપ્તાહથી રાશનકાર્ડ E-KYC કરાવવા માટે સરકારી કચેરીઓમાં લાંબી લાઇનો લાગી રહી છે. મોટી સંખ્યામાં રેશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવી શક્યા ન હતા. તેથી સરકારે ઇ-કેવાયસીની તારીખ લંબાવી છે. હવે ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ લંબાવીને 31 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. પરંતું આ વચ્ચે એક મોટી અફવા ફેલાઈ છે કે, E- KYC નહિ કરાવ્યું હોય તો અનાજ નહિ મળે. ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા મોટો ખુલાસો કરાયો છે.
E- KYC નહિ કરાવેલ હોય તો પણ મળશે અનાજ
ગાંધીનગરથી રેશનકાર્ડ ધારક માટે મહત્વના સમાચાર આવ્યા છે. જે મુજબ, E- KYC નહિ કરાવેલ હોય તો પણ અનાજ મળશે. એટલું જ નહિ, સરકારની અન્ય યોજનાઓના લાભ પણ ચાલુ રહેશે. પુરવઠા વિભાગે લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરાવવા માટે અપીલ કરાઈ છે. 31 ડિસેમ્બર બાદ પણ અનાજ યથાવત રીતે મળશે. તેમાં કોઇ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય. રેશનકાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા વિનંતી કરાઈ છે. સાથે જ રેશનકાર્ડ ધારકો MY RATION એપ્લિકેશનથી સરળતાથી કેવી રીતે E-KYC કરી શકાય તે પણ સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે.
રેશનકાર્ડના e-KYC બાબતે પ્રજાજોગ મહત્ત્વની જાણકારી
1. રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને વિનંતી કે, જે લાભાર્થીઓનું e-KYC બાકી છે, તેઓને તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત મળશે. તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય.
2. આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ પણ તા. ૩૧ ડિસેમ્બર-૨૦૨૪ બાદ મળતો રહેશે.
3. આથી, e-KYC માટે બાકી રહેતા તમામ રેશનકાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા વિનંતી છે.
4. રેશનકાર્ડમાં e-KYC માટે સરકારી કચેરીમાં જવાના બદલે આપ ઘરે બેઠાં “MY RATION” મોબાઇલ એપ્લિકેશનથી સરળતાથી e-KYC કરી શકો છો.
5. રેશનકાર્ડમાં e-KYC માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા, મોબાઈલ નંબર જેવી વિગતો અદ્યતન હોવી જરૂરી છે.
આધાર કાર્ડમાં સુધારા માટેની જાણકારી
1. આધાર કાર્ડમાં સરનામામાં સુધારો ઘરે બેઠાં થઈ શકે છે.
2. આ માટે UIDAIની વેબસાઈટ www.uidai.gov.in પર “My Aadhaar” વિકલ્પ પસંદ કરો.
3. આધાર કાર્ડમાં ફેરફાર કરવાપાત્ર વિગતો પસંદ કરીને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
4. આધાર કાર્ડમાં મોબાઈલ નંબરના સુધારા માટે આપ નજીકની પોસ્ટ ઓફિસ, બેંક, ઈ-ગ્રામ કેન્દ્ર, ઝોનલ કચેરી અથવા જનસેવા કેન્દ્ર પર જઈને સુધારો કરી શકો છો.
5. આપની નજીકના આધાર કેન્દ્રની જાણકારી https://bhuvanapp3.nrsc.gov.in/aadhaar / પોર્ટલ પરથી મેળવી શકો છો