ગાંધીનગર: કોરોનાકાળ બાદ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે અને કેમિકલયુક્ત એલોપેથી દવાઓથી દૂર રહીને કુદરતી ઉપચારો તરફ વળવાનો ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે. ગાંધીનગરના જાગૃત નાગરિકો હવે પોતાના ઘરના આંગણે અને અગાશી પર તુલસી, ગળો, અશ્વગંધા અને સતાવરી જેવા ગુણકારી છોડ ઉછેરીને ‘ઘરગથ્થુ આયુર્વેદ’ અપનાવી રહ્યા છે. ગાંધીનગર ખાતે આવેલા સરકારી આયુર્વેદિક ઉદ્યાનમાંથી રેકોર્ડબ્રેક 50,000 કરતાં વધુ ઔષધીય રોપાનું નાગરિકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં ઘરગથ્થુ ઔષધીય પ્લાન્ટેશનનો ક્રેઝ
દેશમાં કોરોના બાદ મેડિકલની ભાષા બદલાઇ છે. મોટાભાગના નાગરિકો એલોપેથી દવાની જગ્યાએ આયુર્વેદિક દવા તરફ વળ્યા છે. સામાન્ય બીમારીમાં આયુર્વેદિક દવા અક્સિર બને તે હેતુથી પ્લાન્ટેશન કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગરના સરકારી ઔષધીય ઉદ્યાનમાંથી રેકોર્ડ બ્રેક 50 હજાર જેટલા ઔષધીય રોપાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા વર્ષ 2025-26 દરમિયાન રાજ્યભરમાં ચાલતા અભિયાન અંતર્ગત માત્ર ગાંધીનગર ખાતે આવેલા સરકારી ઔષધીય ઉદ્યાન માંથી 50,000 કરતાં વધારે રોપાનું વિતરણ થયું છે. નાગરિકો પોતાના ઘર આગળ અને ઘરગથ્થુ ઉપયોગ માટે રોપા રોપી રહ્યા છે.
નર્સરી નહીં પણ પ્રયોગશાળા
બજારમાં મોંઘા મળતા રોપાને સરકારી આયુર્વેદિક ઉદ્યાન દ્વારા મફત આપવામાં આવી રહ્યા છે. ગાંધીનગરની આયુર્વેદિક નર્સરી માત્ર છોડ ઉછેરવાની કે વેચાણ માટેની નર્સરી નથી પણ આ એક પ્રયોગશાળા પણ છે. દર વર્ષે આયુર્વેદિકનો અભ્યાસ કરતા અને જડીબુટ્ટીઓ પર સંશોધન કરતા 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને સ્કોલર ખાસ આ ઉદ્યાનની મુલાકાત લે છે. વર્ષ 2000માં નફો નહીં નુકસાનના ધોરણે આ નર્સરી શરૂ કરવામાં આવી હતી. આ નર્સરીમાં તુલસી, ગળો, અરડૂસી, સતાવરી, અશ્વગંધા, બ્રાહ્મી અને લીંડીપીપર જેવા અનેક ઉપયોગી વનસ્પતિઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેરવામાં આવી રહ્યા છે.
ગાંધીનગર શહેરના સરગાસણમાં રહેતા શૈલેષ ઠક્કરે જણાવ્યું હતું કે,”આયુર્વેદિક ઉદ્યાનમાં દર વર્ષે રોપા લેવા આવીએ છીએ. આ રોપાનું મહત્વ ખૂબ જ છે. આ રોપા ઔષધીય રીતે ખૂબ જ ઉપયોગી છે. દરેક રોપાનો અલગ અલગ બીમારીમાં ઉપયોગ કરવાથી હોસ્પિટલના ધક્કા ખાવા પડતા નથી. મારૂ માનવું છે કે એલોપેથી દવાઓની જગ્યાએ નાગરિકોએ આ રોપાનો ઉપયોગ કરીને ઘરગથ્થુ ઇલાજ માટે ઉપયોગ કરવો જોઇએ.”
નર્સરીના પ્રોજેક્ટ ઓફિસર ડૉક્ટર કમલેશ ગઢવીએ જણાવ્યું હતું કે, “નર્સરીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રાજ્યની અંદર ઔષધિય વનસ્પતિઓની વૃદ્ધ કરવી. હાલમાં રાજ્યમાં આયુર્વેદિક વિભાગ હસ્તક સાત ઉદ્યાન આવેલા છે. આ તમામ ઉદ્યાનમાં ખેડૂતો, નાગરિકોને વિનામૂલ્યે ઔષધીય રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. અમે નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તેઓ અમારા ઉદ્યાનની મુલાકાત લે અને પોતાના ઘર આગળ ઔષધીય વનસ્પતિઓનું રોપણ કરે.”