વધુમાં મધ્ય-પૂર્વનું યુદ્ધ હવે મધ્ય-એશિયાના દેશોમાં ફેલાય તેવી આશંકા છે. ઈરાને અઝરબૈજાનમાં હુમલો કરતાં આ મુસ્લિમ દેશ ભારે ધુંધવાયું હતું. અઝરબૈજાને તહેરાનમાં તેનું દુતાવાસ અને તબરેજમાં વાણિજ્ય દુતાવાસ ખાલી કરી નાંખ્ય હતા. અઝરબૈજાને ઈરાન સાથેની સરહદ પર સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટીલરી સિસ્ટમ તૈનાત કરવાનું શરૂ કર્યું છે. વિદેશ મંત્રી જેહુન બેયરામોવે કહ્યું કે, નખચિવન એરપોર્ટ પર ઈરાનના ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ અપાશે.
દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલને તેમના હુમલાઓનો જડબાતોડ જવાબ આપવા ઈરાને ઓપરેશન ટ્રુ પ્રોમીસ ફોરની ૨૨મી વેવ હેઠળ ખોર્રામશહર ૪, ખૈબર, ફતહ જેવા વધુ ઘાતક મિસાઈલોથી હુમલા કર્યા હતા. આ સાથે ઈરાને ખાડી દેશોને ચેતવણી આપી છે કે તેમના હુમલાથી બચવું હોય તો અમેરિકાના સૈનિકો અને નાગરિકોને તગેડી મૂકો. સાથે ઈરાને ખાડી દેશો પર હુમલા ચાલુ રાખતા કતરમાં અમેરિકાની મહત્વપૂર્ણ ૧.૧ અબજ ડોલરની કિંમતની મિસાઈલ રડાર સિસ્ટમ તોડી પાડી હતી. આ સિસ્ટમને મધ્ય-પૂર્વમાં અમેરિકાની આંખ કહેવાતી હતી.